Pakistan mosque blast: પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદ પર થયેલા આત્મઘાતી હુમલાના બીજા દિવસે પણ બચાવ કામગીરી ચાલુ રહી હતી. આજે મૃતાંક વધીને 100 પર પહોંચી ગયો છે. આ આત્મઘાતી હુમલામાં મૃતાંકને લઈને પાકિસ્તાન આખુ સ્તબ્ધ બન્યું છે. ત્યારે હુમલાખોરને લઈને ચોંકાવનારા પુરાવા હાથ લાગ્યા છે. રાહત અને બચાવ ટીમ કાટમાળ હટાવવામાં અને બોમ્બ વિસ્ફોટના સ્થળે મૃતદેહો શોધવામાં વ્યસ્ત હતી. શંકાસ્પદ આત્મઘાતી બોમ્બરનું કપાયેલું માથું મળી આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવતા મોટો પુરાવો હાથ લાગ્યો છે.
પાકિસ્તાની અધિકારીઓનું માનવું છે કે, ઘટનાસ્થળે મળેલું માથું એ ફિદાયીનનું છે જેણે પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ પેશાવર શહેરમાં સોમવારે મધ્યાહનની નમાજ દરમિયાન નમાઝથી ભરેલી મસ્જિદની અંદર આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંગળવારે બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 93 થયો હતો, જ્યારે 221 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલ પણ કાટમાળમાંથી બાકીના મૃતદેહોને કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે બપોરે લગભગ 1.40 વાગ્યે પેશાવરના પોલીસ લાઈન્સ વિસ્તારમાં મસ્જિદની અંદર જોરદાર વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ નમાઝીઓ ત્યાં ઝોહર (બપોર)ની નમાજ અદા કરી રહ્યા હતા. નમાઝીઓમાં પોલીસ, આર્મી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના જવાનો સામેલ હતા. અધિકારીઓનું કહેવું છે કે, તે દરમિયાન નમાઝીઓની આગળની હરોળમાં હાજર આત્મઘાતી બોમ્બરે પોતાને વિસ્ફોટથી ઉડાવી દીધો, જેના કારણે છત નમાઝીઓ પર પડી અને વિસ્ફોટથી ઘણા લોકો ઉડી ગયા.
રાજધાની શહેર પોલીસ અધિકારી (સીસીપીઓ) મોહમ્મદ એજાઝ ખાનના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ એક આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવ્યો હતો. આજે એ જ શંકાસ્પદ હુમલાખોરનું માથું ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની પેશાવરમાં ગુનાના સ્થળેથી મળી આવ્યું છે.
ઉમર ખાલિદ પર બદલો લેવા માટે હુમલો કરાયો હતો
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલો તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના ફિદાયીન દ્વારા કરવામાં આવ્યો હતો. TTPએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, તેણે તેના કમાન્ડર ઉમર ખાલિદ ખુરાસાનીની હત્યાનો બદલો લેવા માટે આ વિસ્ફોટ કર્યો હતો. જાહેર છે કે પાકિસ્તાની સેનાએ ગત વર્ષે ઓગસ્ટમાં ટીટીપી કમાન્ડરને મારી નાખ્યો હતો.
Pakistan Blast: પાકિસ્તાનના પેશાવરમાં નમાજ દરમિયાન મસ્જિદમાં બ્લાસ્ટ, 17ના મોત, 50થી વધુ ઘાયલ
પાકિસ્તાનમાં એક મસ્જિદમાં જોરદાર બ્લાસ્ટ થયો છે. પેશાવરના પોલીસ લાઈન્સ વિસ્તારમાં સોમવારે (30 જાન્યુઆરી) બપોરે એક મસ્જિદમાં વિસ્ફોટની જાણ થઈ હતી. આ વિસ્તારમાં જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટને કારણે ભારે નુકસાનના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિસ્ફોટમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.