WTO Geneva Meet: વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (World Trade Organization)ની સર્વોચ્ચ સંસ્થા મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સની ચાર દિવસીય બેઠક “12મી મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ (MC)” આજથી જીનીવામાં શરૂ થશે. આ બેઠક ચાર વર્ષના અંતરાલ પછી થઈ રહી છે, એવા સમયે જ્યારે યુક્રેન અને રશિયા યુદ્ધમાં છે અને વૈશ્વિક આર્થિક સ્થિતિ અનિશ્ચિતતાઓથી ભરેલી છે. છેલ્લી વખત આર્જેન્ટિનામાં આ બેઠક 2017માં થઈ હતી.


વાણિજ્ય મંત્રી કરશે ભારતનું પ્રતિનિધિત્વ 
રવિવારથી શરૂ થનારી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (World Trade Organization)ની 12મી મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ (MC)માં ભારત ખાદ્ય સુરક્ષા કાર્યક્રમો માટે ખાદ્યાન્નના સાર્વજનિક સંગ્રહના મુદ્દાના કાયમી ઉકેલ પર અને ખેડૂતો અને માછીમારોના હિતોનું નિશ્ચિતપણે રક્ષણ કરવા પર ભાર મૂકશે. આ બેઠકમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal)  ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.


માછીમારોને અપાતી સબસિડીમાં કોઈ અડચણ નહીં આવે :  બ્રજેન્દ્ર નવનીત
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (World Trade Organization)માં ભારતના કાયમી પ્રતિનિધિ બ્રજેન્દ્ર નવનીતે (Brajendra Navneet) જણાવ્યું હતું કે, અમે માછીમારોના અધિકારોને કોઈપણ રીતે જાળવી રાખીશું અને તેમની આજીવિકા પર કોઈ અસર થવા દઈશું નહીં તે માટે અમે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ. તેમને મળતી સબસિડીમાં કોઈ અડચણ નહીં આવે, આ ભારતની પ્રતિબદ્ધતા છે અને ભારત તેની સામે ઝૂકશે નહીં.


એવું માનવામાં આવે છે કે WTO મસ્ત્યઉદ્યોગ પર એક કરાર પર વાટાઘાટ કરવાનો પ્રયાસ કરી શકે છે, જેના વિશે ભારતે સ્પષ્ટપણે સ્પષ્ટ કર્યું છે કે તે તેના માછીમારોને સબસિડી આપવામાં કોઈ બાંધછોડ નહીં કરે. 


સબસિડી પ્રતિબંધ ઓછામાં ઓછી 25 વર્ષની રાહત આપવી જોઈએ : ભારત
ભારતનું કહેવું  છે કે વિકાસશીલ દેશો કે જેઓ દૂરના પાણીમાં માછીમારી કરતા નથી તેમને ઓવર-ફિશિંગ પર સબસિડી પ્રતિબંધમાંથી ઓછામાં ઓછા 25 વર્ષની રાહત મળવી જોઈએ. ભારત આગામી WTO બેઠકમાં ઈ-કોમર્સ વેપાર પર કસ્ટમ ડ્યુટી ચાલુ રાખવાનો સખત વિરોધ કરશે અને તેને નાબૂદ કરવાનો આગ્રહ રાખશે, કારણ કે તેનાથી ભારત જેવા વિકાસશીલ દેશો પર પ્રતિકૂળ અસર થઈ રહી છે.