અમદાવાદમાં એક સાથે 74 મુમુક્ષોની વર્ષીદાન યાત્રા જયનાદથી ગુંજી ઉઠી
સુરતમાં દીક્ષા લઇ રહેલા 74 મુમુક્ષુોનો વર્ષીદાનનો વરઘોડો અમદાવાદ શહેરમાં રવિવારે યોજાયો. જૈન સમુદાયના 74 દીક્ષાર્થીઓનું અમદાવાદમાં આગમન થતાં સમસ્ત જૈન સમાજમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો. દર્શનીય અને ઐતિહાસિક શોભાયાત્રાનું પ્રસ્થાન મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરાવ્યું. આ તમામ મુમુક્ષો આગામી 29 નવેમ્બરે સુરતમાં દીક્ષાગ્રહણ કરીને સુવર્ણ ઇતિહાસ રચશે. 74 મુમુક્ષો સંસારના મોહ માયા છોડીને પ્રભુ માર્ગે ચાલશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૈન શાસનના વિજયમાર્ગની વિજયધ્વજા લહેરાવતી અનેક વિશષ્ટિતાઓ સાથે ભવ્ય વર્ષીદાનનો વરઘોડો સવારે 10 કલાકે અમદાવાદ શહેરના ઉસ્માનપુરાથી રવાના થયો. આ વરઘોડો સુમતિનાથ જિનાલાયથી ઋજુવાલિકા ફ્લેટથી સત્યવાદી સોસાયટી થઇ પંચશીલ રેસીડેન્સી પહોંચ્યો હતો. અહીંથી તલાવડી થઇ નારણપુરા રેલવે ક્રોસિંગ થઇને ડી.કે.પટેલ હોલ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ.
આ શોભાયાત્રા શરૂ થાય તે પહેલા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તમામ દીક્ષાર્થીઓને મળ્યા હતા. ત્યારબાદ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્ય મંત્રીએ આ પ્રસંગે સાધુ-સંતોના આશીર્વાદ પણ લીધા. આ વરઘોડામાં 74 મુમુક્ષો માટે ભવ્ય રીતે તૈયાર કરેલી શિબિકાઓ, આકર્ષક ટેબ્લો, દેશભરમાંથી આવેલી મંડળીઓ અને મોટો સાધુ સમુદાય પણ જોડાયો હતો.
સંગીત, કીર્તન, ચારિત્ર ધર્મના મર્મને ઉજાગર કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહ્યા હતા. દીક્ષાર્થીઓના જયનાદથી નારણપુરા વિસ્તાર ગુંજી ઉઠ્યો. કહેવાય છે કે, અમદાવાદના જૈન શાસનના ઇતિહાસમાં આ વર્ષીદાનનો વરઘોડો સુવર્ણ અક્ષરે અંકિત થશે. હવે આગામી 27 ઓક્ટોબરે હિંમતનગરમાં તમામ મુમુક્ષોનો વર્ષીદાનનો વરઘોડો યોજાશે.
હિંમતનગરના ભાવેશ ગીરીશભાઈ ભંડારીના દીકરા ભવ્ય અને દીકરી વિશ્વાકુમારી પણ દીક્ષા લઈ રહ્યા છે. જેને લઈ હિંમતનગર જૈન સમાજમાં પણ ઉત્સાહનો માહોલ છે. ત્યારબાદ 29 નવેમ્બરે સુરતના શાંતિવર્ધક જૈન સંઘ પાલ ખાતે સૂરિ જિન સંયમ કૃપા પાત્ર જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજીની નિશ્રામાં એક સાથે 74 મુમુક્ષો દીક્ષા લઈ સંસારનો ત્યાગ કરશે.