અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જવાનું ટાળજો! ઉપરવાસના વરસાદથી સાબરમતીમાં છોડાયું પાણી, સુરક્ષામાં વધારો

ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીની સપાટી વધી, તંત્ર એલર્ટ પર નાગરિકોને નદી કિનારે ન જવાની અપીલ.

Sabarmati water release Ahmedabad: અમદાવાદ શહેરના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નદીનું જળસ્તર વધ્યું છે અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

1/7
Sabarmati water release Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લોકોને નદી કિનારે ન જવાની ચેતવણી આપવામાં આવી હોવા છતાં, હજુ પણ કેટલાક લોકો પાણી જોવા માટે નદીની નજીક જઈ રહ્યા છે, જે જોખમી સાબિત થઈ શકે છે.
2/7
અમદાવાદમાં છેલ્લા 30 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેનાથી શહેરમાં સિઝનનો કુલ 110% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ ઉપરાંત, ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદના કારણે ધરોઈ અને સંત સરોવર ડેમ છલકાઈ ગયા છે. પરિણામે, વધારાનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેનાથી નદીનું લેવલ સતત વધી રહ્યું છે.
3/7
વધતી જળસપાટીને જોતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્રએ તાત્કાલિક પગલાં લીધા છે. જૂના વાડજ વિસ્તારમાં આવેલા પરીક્ષિત નગરમાંથી 25 પરિવારો અને વાસણા સ્મશાન નજીકના વિસ્તારમાંથી 4 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નદીની નજીક રહેતા નાગરિકોને પણ સતર્ક રહેવા અને જરૂર પડે તો સ્થળાંતર કરવા માટે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે.
4/7
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સિક્યોરિટી અને પોલીસનું પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે, તેમ છતાં લોકો નદી નજીક દિવાલ પાસે ઊભા રહીને પાણી જોવા માટે આવી રહ્યા છે.
5/7
આ પરિસ્થિતિ જોખમી હોવાથી તંત્રએ કડક પગલાં લેવાની અપીલ કરી છે. વધુમાં, નદીનું જળસ્તર વધતા મીઠાખળી અંડરબ્રિજમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જો નદીનું લેવલ હજી પણ વધશે, તો સલામતીના ભાગરૂપે આ અંડરબ્રિજ બંધ કરવામાં આવશે.
6/7
આજે સાંજે 5 વાગ્યા સુધીની સ્થિતિએ, ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. આ પાણીના પ્રવાહને આગળ જવા દેવા માટે વાસણા બેરેજના 27 જેટલા દરવાજા (ગેટ નંબર 3 થી 29) ખોલી નાખવામાં આવ્યા છે.
7/7
હાલમાં વાસણા બેરેજની જળસપાટી 131 ફૂટ જેટલી છે, અને તેમાંથી 93,658 ક્યુસેક પાણી આગળ છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા આ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
Sponsored Links by Taboola