ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, જાણો શું આપી પ્રથમ પ્રતિક્રિયા ?
અમદાવાદ: ગુજરાત કૉંગ્રેસના નવા અધ્યક્ષ જગદીશ ઠાકોરનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. કૉંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આજે જ તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ઠાકોરનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ અને ઠાકોર નેતા છે. આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજગદીશ ઠાકોરે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કર્યો છે. જગદીશ ઠાકોરે નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો છે. કૉંગ્રેસ પરિવારે વિશ્વાસ મૂક્યો એ બદલ આભાર. ભાજપની રણનીતિને ઓળખુ છું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કૉંગ્રેસ ભાજપનો ભુક્કો બોલાવી દેશે.
ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાન એવા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર બે વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002 અને 2007 એમ સળંગ બે વાર જીતેલા ઠાકોર 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં પાટણ લોકસભા બેઠક પરથી ઠાકોર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આમ જગદીશ ઠાકોર 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની અત્યંત નજીક મનાતા જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં સારું વર્ચસ્વ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, જગદીશ ઠાકોરે 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ઠાકોરે એ વખતે એલાન કરેલું કે, હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર તરીકે જ કામ કરશે. ઠાકોરની આ જાહેરાતે ખળભળાટ મચાવ્યો હતો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું પણ પાંચ વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મેળવીને જગદીશ ઠાકોરે હાઈકમાન્ડને પોતાની તાકાત અને મહત્વ સમજાવવામાં સફળતા મેળવી છે.