World Record: સૌરાષ્ટ્રનો યુવાન પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી બનીને પથદર્શક બન્યો, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
World Record: સૌરાષ્ટ્રના એક નાના એવા ગામથી અમદાવાદ આવેલા યુવકે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના ગડુનો રહેવાસી યુવક કારકિર્દી બનાવવા અમદાવાદ આવ્યો હતો. જો કે, પોતાની કારકિર્દીની સાથે સાથે તેમણે બીજાની કારકિર્દી બનાવવામાં પણ અનોખી મદદ કરી છે. અમે વાત કરી રહ્યા છીએ અલ્પેશ કારેણા નામના યુવકની.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રજ્ઞાચક્ષુ અને હેન્ડીકેપ વિદ્યાર્થીઓની પરીક્ષામાં રાઈટર તરીકેની મદદ બાબતે અમદાવાદના સામાજિક કાર્યકર અલ્પેશ કારેણાએ વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. 800થી પણ વધારે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના પેપર લખીને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં નામ નોંધાયું છે. તેમજ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા અલ્પેશ કારેણાને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા છે. સતત 9 વર્ષથી દિવ્યાંગોની સેવામાં ખડેપગે રહીને અલ્પેશ કારેણા કરેલી સેવાની આજે વિશ્વ લેવલે નોંધ લેવાય એ બાબતે દિવ્યાંગ લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
આ કાર્ય વિશે વાત કરતાં અલ્પેશ કારેણા જણાવે છે કે જ્યારે 2014માં પોતાના ગામ ગડુ ( દેવભુમિ દ્વારકા જિલ્લો ) થી એન્જિનીયરીંગના અભ્યાસ માટે અમદાવાદ આવવાનું થયું ત્યારે એલ.ડી. કોલેજ ઓફ એન્જિનીયરીંગમાં સિવિલમાં એડમિશન થયું અને હોસ્ટેલમાં રહેવાનું થયું. એક વખત અંધજનમંડળની મુલાકાત લીધી અને ત્યાં ગુજરાતીના શિક્ષક તરીકે સેવા આપવાની શરૂઆત કરી. ધીરે ધીરે ખબર પડી કે પ્રજ્ઞાચક્ષુ લોકોને પરીક્ષામાં રાઈટરની જરૂર પડે. તો એક વલત પેપર લખવા ગયા અને ત્યાં જોયું કે ઘણા વિદ્યાર્થીઓને રાઈટર નથી મળી રહ્યા અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ રડી રહ્યાં છે. અલ્પેશ જણાવે છે કે આ વેદના મારાથી સહન ન થઈ અને મનમાં નિર્ણય કર્યો કે મારે આ વિદ્યાર્થીઓ માટે કંઈક કરવું છે.
આગળ વાત કરતાં અલ્પેશે જણાવ્યું કે, મારા આંખ સામેથી આ લોકોના રડતા ચહેરા નહોતા જતા. તેથી ધીરે ધીરે હોસ્ટેલ અને કોલેજના મિત્રોને આ વિશે વાત કરી. મિત્ર વર્તુળ માની પણ ગયું. ધીરે ધીરે સિલસિલો આગળ વધ્યો અને પછી મારી પાસે 250 લોકોનું એક મજબૂત ગૃપ થઈ ગયું. સાથે જ અમારી એલ.ડી.કોલેજમાં પણ આચાર્યે દરેક વિદ્યાર્થીઓને છૂટ આપી કે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના પેપર લખવામાં મદદ કરે એમને ક્લાસમાં હાજરીની છૂટ આપવામાં આવશે. આ રીતે આખા અમદાવાદમાં અને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ગૃપ કાર્યરત થયું અને અનેક લોકોનો સાથ સહકાર મળ્યો.
અલ્પેશે જાતે 800 પેપર લખ્યા એ વિશે વાત કરે છે કે હું છેલ્લા 9 વર્ષથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના રાઈટર તરીકે જાઉ છું. દરેક પરીક્ષામાં હું જતો જ. કારણ કે હું જાતે પેપર લખીશ તો જ બીજાને કહી શકીશ કે તમે પણ આવો. ક્યારેક 4-4 કોલેજોમાં એકસાથે પરીક્ષાનો માહોલ હોય. ત્યારે હું એક દિવસમાં બધા જ પેપર લખતો. મને બરાબર યાદ છે કે મે સતત એક અઠવાડિયા સુધી 4-4 પેપર લખેલા છે. પહેલું પેપર સવારે 8 થી 9:30 , બીજું પેપર 10 થી 11:30, ત્રીજું પેપર 12 થી 3, ચોથું પેપર 5 થી 6:30 અને સાંજે અંધજનમંડળ વસ્ત્રાપુર ખાતે 8થી 10 સુધી તો જવાનું. અંધજન મંડળ વસ્ત્રાપુરમાં ગુજરાતી શિક્ષક અને વાંચનની પ્રવૃતિ તરીકે 4 વર્ષ સુધી હું દરરોજ સાંજે 8થી 10 સુધી જતો અને એ પણ ચાલીને.. કારણ કે જમીને જતો એટલે ખાવાનું પણ પચી જાય અને પૈસાની પણ બચત થાય. આ સિવાય ક્યારેય એવું પણ બનતું કે મારી પણ પરીક્ષા શરૂ હોય અને આ લોકોની પણ પરીક્ષા આવે. ત્યારે પણ હું મારું પેપર લખીને તરત જ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના રાઈટર તરીકે જતો હતો. આ રીતે સેવાની આ 9 વર્ષની યાત્રામાં ક્યારે 800થી ઉપર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના પેપર લખાય ગયા એની પણ ખબર ન પડી અને આજે વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો.
અલ્પેશ આગળ જણાવે છે કે આ બધી જ પ્રવૃતિ સાથે સાથે દર મહિને એક સામાજિક સંસ્થામાં અમે ઈવેન્ટ પણ કરતાં. અપંગ માનવ મંડળ, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, સ્લમ સ્કુલ... વગેરે સંસ્થાઓમાં જઈને સમય પસાર કરી એ લોકોને પણ આનંદ આવે એવી કંઈક કંઈક પ્રવૃતિ કરતા. આ બધી જ પ્રવૃતિ અને પ્રજ્ઞાચક્ષુ મિત્રોના રાઈટરની સેવા કરવા માટે અમે ક્યારેય કોઈ પાસેથી એકપણ રૂપિયો નથી લેતો. બધી જ સેવા બિલકુલ નિ:શુલ્ક જ આપી છે. મિત્રોએ શક્તિ અને સમય દાન આપ્યું એમાં જ બધું કામ થઈ ગયું તો પૈસાની ક્યારેય જરૂર જ નથી પડી. જ્યાં જરૂર પડી ત્યાં પોકેટ મનીમાંથી આપી દીધા છે. આજે વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયુ એ મારા માટે ખુશીની વાત છે. મારી 9 વર્ષની મહેનતનું આ પરિણામ છે. અહીં પહોંચવામાં મને પરિવાર, મિત્રો અને અમદાવાદના નામી અનામી અનેક લોકોને ક્યારેય ન ભૂલી શકું એવો સહયોગ મળ્યો છે. આ સાથે જ મારા કાર્યને અનેક સંસ્થાઓ અને લોકો નવાજી રહ્યાં છે એનો વિશેષ આનંદ છે.
અલ્પેશ કારેણાને મળેલા એવોર્ડ: ગુજરાતમાં સેવા ક્ષેત્રે દિયા ઈન્ટરનેશનલ એવોર્ડ વિનર-2022 ( દર્શુકેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ). ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ-2021 ( અક્ષરમૈત્રી સાહિત્ય વર્તૂળ ગૃપ દ્વારા ).યુવા રત્ન એવોર્ડ- 2023 ( રક્તવીર ગૃપ દ્વારા ).ઉત્તમ યુવા લેખક એવોર્ડ ( નવરચિત સ્લમ સ્કુલ દ્વારા ).