AIથી બની શકે છે નકલી આધાર કાર્ડ! જાણો અસલી અને નકલી કેવી રીતે ઓળખવું

તાજેતરમાં એક LinkedIn યુઝરે ChatGPT નો ઉપયોગ કરીને આધાર કાર્ડ જનરેટ કરી શકાય છે કે કેમ તેની તપાસ કરી હતી અને તેના પરિણામો ચોંકાવનારા હતા. આ ઘટના સાયબર સુરક્ષાને લઈને નવી ચિંતાઓ ઊભી કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
તમને જણાવી દઈએ કે આધાર એ ભારત સરકાર દ્વારા દરેક નાગરિકને આપવામાં આવતો 12 અંકનો એક યુનિક આઈડી છે. તે બાળક હોય કે પુખ્ત, દરેક વ્યક્તિ માટે આ ઓળખપત્ર માન્ય છે. આધાર કાર્ડ બાયોમેટ્રિક અને વસ્તી વિષયક માહિતીના આધારે તમારી ઓળખને સાબિત કરે છે.

હવે વાત કરીએ કે નકલી અને અસલી આધાર કાર્ડને કેવી રીતે ઓળખવું. AI દ્વારા બનાવેલા નકલી આધાર કાર્ડ પર જો અસલ ફોટો અપલોડ કરવામાં આવે તો પણ તે ફોટો ઘણીવાર અલગ જ દેખાઈ શકે છે. જ્યારે અસલ આધાર કાર્ડમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્પષ્ટ અને સચોટ હોય છે.
નકલી કાર્ડમાં હિન્દી અને અંગ્રેજીમાં લખેલા અક્ષરોની સાઈઝ, સ્ટાઈલ અને ગોઠવણીમાં તફાવત જોવા મળી શકે છે. મૂળ આધાર કાર્ડમાં કોલોન (:), સ્લેશ (/), અલ્પવિરામ (,) વગેરેનો ચોક્કસ રીતે ઉપયોગ થયેલો હોય છે, જ્યારે નકલી કાર્ડમાં તે અનિયમિત દેખાઈ શકે છે.
અસલી આધાર કાર્ડ પર આધાર અને ભારત સરકારના લોગોની ગુણવત્તા અને તેનું સ્થાન નિર્ધારિત હોય છે, જે સ્પષ્ટ દેખાય છે. જ્યારે નકલી કાર્ડમાં આ લોગો અસ્પષ્ટ અથવા વિકૃત હોઈ શકે છે. નકલી અને અસલી કાર્ડને ઓળખવાની સૌથી મજબૂત રીત એ છે કે તેના પર આપેલા QR કોડને સ્કેન કરવો. જો QR કોડને સ્કેન કરવાથી UIDAIની વેબસાઇટ પર સંબંધિત સાચી માહિતી ઉપલબ્ધ થાય તો તે કાર્ડ અસલી છે.
આ ઉપરાંત, તમે UIDAIની વેબસાઇટ પરથી પણ આધારની માન્યતા ચકાસી શકો છો. આ માટે, સૌ પ્રથમ UIDAIની વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in/verifyAadhaar પર જાઓ. ત્યારબાદ Check Aadhaar Validity વિકલ્પ પર ક્લિક કરો. હવે આપેલ બોક્સમાં તમારો 12 અંકનો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
જો તમારો આધાર કાર્ડ અસલી હશે તો સ્ક્રીન પર “આધાર વેરિફિકેશન કમ્પ્લીટેડ” એવો મેસેજ દેખાશે અને તમારી નામ, લિંગ અને રાજ્ય જેવી માહિતી પણ દર્શાવવામાં આવશે. આ માહિતીને તમારા કાર્ડ સાથે સરખાવો, જો તે મેળ ખાતી હોય તો તમારું કાર્ડ અસલી છે. તમને જણાવી દઈએ કે VID એટલે કે વર્ચ્યુઅલ આઈડી એક 16 અંકનો અસ્થાયી નંબર છે, જેને તમે જાતે જનરેટ કરી શકો છો અને તે તમારા અસલ આધાર નંબર સાથે જોડાયેલો હોય છે. આ તમારી ઓળખને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
VID ફક્ત આધાર ધારક પોતે જ બનાવી શકે છે. કોઈ અન્ય સંસ્થા, એપ્લિકેશન અથવા સેવા પ્રદાતા તમારા માટે VID જનરેટ કરી શકશે નહીં. એકવાર VID જનરેટ થઈ જાય પછી તે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS દ્વારા મોકલવામાં આવે છે. આમ, AIની મદદથી નકલી આધાર કાર્ડ બનવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તમારે તમારા આધાર કાર્ડની અધિકૃતતા ચકાસવા માટે જણાવેલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.