OPS, NPS કે UPS: 8મા પગાર પંચમાં કોની થશે જીત? જાણો કઈ પેન્શન યોજના છે સૌથી શ્રેષ્ઠ
8મા પગાર પંચની સમીક્ષામાં નોન-કોન્ટ્રીબ્યુટરી પેન્શન શબ્દ પર વિવાદ જાણો ત્રણેય યોજનાઓ વચ્ચેનો તફાવત, સરકારનું વલણ અને તેના આર્થિક પાસાં.
Continues below advertisement

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોની નજર હાલમાં 8મા પગાર પંચ પર ટકેલી છે. કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચની મંજૂરી આપી દીધી છે અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈને તેના અધ્યક્ષ બનાવ્યા છે. જોકે, આ વખતે પંચની શરતોમાં વપરાયેલા એક ખાસ શબ્દના કારણે જૂની પેન્શન યોજના (OPS), નવી પેન્શન સિસ્ટમ (NPS) અને યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) વચ્ચેનો વિવાદ ફરી ગરમાયો છે.
Continues below advertisement
1/6
પગાર પંચની શરતોમાં પહેલીવાર "નોન-કોન્ટ્રીબ્યુટરી પેન્શન યોજનાઓનો અનફંડેડ ખર્ચ" શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આનો સીધો અર્થ એ છે કે પંચ હવે એ વાતનું મૂલ્યાંકન કરશે કે જૂની પેન્શન યોજના (OPS) ના કારણે સરકાર પર કેટલો આર્થિક બોજ પડી રહ્યો છે. કર્મચારી સંગઠનો આ બાબતનો જોરદાર વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેમને લાગે છે કે સરકાર તેમના પેન્શનના અધિકારને દેશ માટે માત્ર એક 'આર્થિક બોજ' તરીકે દર્શાવી રહી છે.
2/6
જો આ યોજનાઓ વચ્ચેનો તફાવત સમજીએ તો, વર્ષ 2004 પહેલા લાગુ OPS માં કર્મચારીએ કોઈ ફાળો આપવો પડતો ન હતો અને નિવૃત્તિ વખતે છેલ્લા પગારના 50% રકમ આજીવન પેન્શન તરીકે મળતી હતી. ત્યારબાદ આવેલી NPS માં કર્મચારી 10% અને સરકાર 14% ફાળો આપે છે, જેમાં પેન્શન શેરબજારના વળતર પર આધારિત હોય છે. જ્યારે તાજેતરમાં શરૂ થયેલી UPS માં 25 વર્ષની નોકરી પછી છેલ્લા વર્ષના સરેરાશ પગારના 50% ગેરંટી પેન્શન તરીકે મળે છે, જેમાં કર્મચારીનો 10% અને સરકારનો 18.5% ફાળો નક્કી કરાયો છે.
3/6
સરકારે કર્મચારીઓની નારાજગી દૂર કરવા વચલા રસ્તા તરીકે UPS યોજના રજૂ કરી ખરી, પરંતુ કર્મચારીઓ આ નવી યોજનાથી બહુ ઉત્સાહિત જણાતા નથી. આંકડા દર્શાવે છે કે નવેમ્બર 2025 સુધીમાં પાત્રતા ધરાવતા આશરે 24 લાખ કર્મચારીઓમાંથી માત્ર 5% થી ઓછા લોકોએ જ UPS પસંદ કરી છે. કર્મચારીઓનું માનવું છે કે UPS એક અધૂરી યોજના છે, કારણ કે OPS ની જેમ આમાં ફ્રી પેન્શન નથી મળતું, પણ પગારમાંથી 10% કાપવા પડે છે.
4/6
બીજી તરફ, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં કોઈપણ સંજોગોમાં OPS પાછી લાવવામાં નહીં આવે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પણ આ બાબતે મોટી આર્થિક ચેતવણી આપી છે. આરબીઆઈના મતે, જો રાજ્યો ફરીથી જૂની પેન્શન યોજના લાગુ કરશે તો સરકાર પર દેવાનો બોજ 4.5 ગણો વધી જશે. આનાથી દેશના વિકાસ કાર્યો અટકી જશે અને ભવિષ્યની પેઢીઓ પર ભારે ટેક્સનો બોજ આવી પડશે.
5/6
8મા પગાર પંચનો આખરી રિપોર્ટ 2027 ના મધ્ય સુધીમાં આવવાની આશા છે. પંચ પાસે હવે ત્રણ મુખ્ય રસ્તાઓ બચ્યા છે: કાં તો તેઓ UPS ને વધુ આકર્ષક બનાવે (કર્મચારીનો ફાળો ઘટાડીને), અથવા NPS માં જ લઘુત્તમ પેન્શનની ગેરંટી આપે, અથવા પછી OPS ની માંગને સંપૂર્ણપણે ફગાવી દઈને UPS ને જ સર્વશ્રેષ્ઠ યોજના જાહેર કરી દે.
Continues below advertisement
6/6
સરકારના કડક વલણ અને રિઝર્વ બેંકની આર્થિક ચિંતાઓને જોતા એવું લાગી રહ્યું છે કે પગાર પંચ છેલ્લો વિકલ્પ પસંદ કરે તેવી શક્યતા સૌથી વધુ છે. આમ છતાં, કર્મચારીઓને કોઈ રાહત મળશે કે નહીં, તેનો અસલી નિર્ણય તો વર્ષ 2027માં રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
Published at : 20 May 2026 05:48 PM (IST)