TCS Q3 Results: ત્રીજા ક્વાર્ટરમાં TCS ₹11,058 કરોડનો નફો કર્યો, સ્પેશિયલ ડિવિડન્ડની કરી જાહેરાત
TCS Q3 Results Update: IT ક્ષેત્રની દેશની સૌથી મોટી કંપની TCS (Tata Consultancy Services) એ નાણાકીય વર્ષ 2023-24 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ત્રીજા ક્વાર્ટરમાં TCSનો ચોખ્ખો નફો 2 ટકાના ઉછાળા સાથે રૂ. 11,058 કરોડ હતો, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 10,846 કરોડ હતો. જોકે, અગાઉના એટલે કે બીજા ક્વાર્ટરની સરખામણીએ, ત્રીજા ક્વાર્ટરમાં TCSના નફામાં 2.5 ટકાનો ઘટાડો થયો છે. કંપનીએ બીજા ક્વાર્ટરમાં રૂ. 11,342 કરોડનો નફો કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTCS એ સ્ટોક એક્સચેન્જ સાથેની તેની રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ત્રીજા ક્વાર્ટરમાં TCSની આવક ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં 4 ટકા વધીને રૂ. 60,583 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 58,220 કરોડ હતી. TCS બોર્ડે નાણાકીય વર્ષ 2023-24માં શેર દીઠ રૂ. 27નું ડિવિડન્ડ આપવા માટે મંજૂરી આપી છે, જેમાં શેર દીઠ રૂ. 18ના વિશેષ ડિવિડન્ડનો સમાવેશ થાય છે.
શેરધારકોને ડિવિડન્ડ ચૂકવવાની રેકોર્ડ તારીખ 19 જાન્યુઆરી, 2024 નક્કી કરવામાં આવી છે, જ્યારે ચુકવણી 5 ફેબ્રુઆરી, 2024ના રોજ કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે TCSમાં 153 દેશોના નાગરિકો કામ કરે છે, જેમાંથી 35.7 ટકા મહિલાઓ છે.
TCSના ત્રિમાસિક પરિણામો પર, કંપનીના CEO અને MD K કૃતિવાસને જણાવ્યું હતું કે, ત્રીજા ક્વાર્ટરમાં મેક્રો-ઈકોનોમિક મુશ્કેલીઓ હોવા છતાં, અમારા બિઝનેસ મોડલની મજબૂતાઈ, વૈવિધ્યસભર પોર્ટફોલિયો અને ગ્રાહક-કેન્દ્રિત વ્યૂહરચનાને કારણે TCSનું પ્રદર્શન મજબૂત રહ્યું છે.
તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ બજારમાં સોદાઓને લઈને સારી ગતિ જોઈ રહી છે જેના કારણે ઓર્ડર બુક લાંબા ગાળે ખૂબ જ મજબૂત બનવા જઈ રહી છે. તેમણે કહ્યું કે જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં અદભૂત પ્રગતિ જોવા મળી રહી છે, જેના કારણે અમે ગ્રાહકો માટે આ ક્ષેત્રમાં નવીનતા વધારી છે.
બજાર બંધ થયા બાદ TCSના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જોકે, આજે બજાર બંધ થવા પર ટીસીએસના શેર 0.61 ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા.