Rain: ભરૂચના વાલિયામાં ખાબક્યો 12 ઇંચ વરસાદ, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી
ભરૂચના વાલિયામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાલિયામાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર થયું છે. વાલિયાના માર્ગો પર વરસાદના પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. દોલતપુર ગામને જોડતા કોઝ-વે પર પાણી ફરી વળ્યા હતા. કોઝ-વે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. સોડગામ જવાના મુખ્યમાર્ગ પર પણ પાણીના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. વાલિયાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે ભરૂચ તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાલિયા પંથકમાં 12 ઈંચથી વધુ વરસાદથી જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ છે. વાલિયાનું ડહેલી ગામ પાણીમાં ગરકાવ થયું છે. મુખ્ય બજાર અને લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. વાલિયાના દેસાડ અને સોડગામ પણ બેટમાં ફેરવાયા હતા. વનખાડી અને કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. વાલિયાથી માંગરોળ અને અંકલેશ્વરના માર્ગ પર પાણી ભરાયા હતા. વાલિયાના ડહેલીમાં મહાદેવ મંદિર પાણીમાં જળમગ્ન થયા છે.
વાલિયાના દેસાળ ગામના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ગામમાં નદીના ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે. ગામમાં પાણી ઘૂસતા ગામ લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. દેહલી બાદ દેસાળ ગામમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. કિમ નદીનું જળસ્તર વધતા લોકો ગામ છોડી જવા મજબૂર બન્યા છે.
મહીસાગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. વીરપુર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. બાલાસિનોરમાં ચાર ઈંચ વરસાદ થયો હતો. ખાનપુર, કડાણા, સંતરામપુરમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ હાઈએલર્ટ પર છે. કડાણા ડેમ 94.81 ટકા ભરાતા હાઈએલર્ટ જાહેર કરાયો છે. ડેમમાં હાલ 57 હજાર 818 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જ્યારે 45 હજાર 180 ક્યુસેક પાણીની જાવક થઇ છે. ડેમના પાંચ ગેટ ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ધોધમાર વરસાદથી સુરત જિલ્લાનું વડોલી ગામ સંપર્ક વિહોણું થયું છે. ટોકરી નદીના પાણી ગામની ચારેય બાજુ ફરી વળ્યા હતા. ભારે વરસાદથી ટોકરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. માંગરોળ તાલુકામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતના ઓલપાડના કીમ ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. કીમમાં ભારે વરસાદથી સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. કીમ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા હતા. અમૃતનગર, પોસ્ટ ઓફિસ રોડ, અજમેરી નગર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો.
ભારે વરસાદથી મહેસાણા જિલ્લામાં પણ પાણી ભરાઇ ગયા હતા. મહેસાણા-મોઢેરા રોડ પર પાણી ભરાયા હતા. કાશિકુંજ સોસાયટી, શ્યામ બંગલો વિસ્તાર જળમગ્ન થયા હતા. ગ્રીન પાર્ક સહિતની સોસાયટીઓના રોડ પર પાણી ભરાયા હતા. પાણી ભરાતા વાહન ચાલકો, સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.