Rain: દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, નવસારીના સરા ગામમાં જળબંબાકાર
દક્ષિણ ગુજરાત પર વરસાદી આફતનો ખતરો ઉભો થયો છે. સુરત, નવસારી , ડાંગ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરાયું છે. નવસારીના વાંસદા તાલુકાના સરા ગામમાં વરસાદી પાણી ભરાયા હતા. ઉપરવાસના વરસાદથી સરા ગામમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે. ગામની બજારો અને ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગામમાં પ્રવેશવાના મોટાભાગના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરવાસના વરસાદથી સુરતની પૂર્ણા નદી તોફાની બની હતી. સુરતના મહુવામાંથી પસાર થતી પૂર્ણા નદી તોફાની બની હતી. મહુવા ગામમાંથી પસાર થતા બ્રિજ પ્રશાસને બંધ કર્યો છે. કાંઠા વિસ્તારમાંથી 112 પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઓનડચ, મિયાયુર, બુધલેશ્વર , સેખપુર સહિતના ગામ એલર્ટ પર છે.
તાપી જિલ્લાની શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવ્યા છે. ડીડીઓએ કહ્યુ હતું કે ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની શાળામાં બે દિવસની રજા જાહેર કરવામાં આવ્યા છે. પંચોલ ગામની આશ્રમ શાળામાં બાળકો ફસાયા છે. બાળકો સાથે પંચોલ શાળામાં સ્ટાફ પણ હાજર છે. ભારે વરસાદથી તાપીના વાલોડમાં નદીઓ તોફાની બની છે.
તાપીના ડોલવણના અંતાપૂર ગામમાં રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. અંતાપુર ગામમાંથી 20થી વધુ લોકોને બચાવાયા હતા. SDRF અને સ્થાનિક પોલીસની ટીમે તમામને બચાવ્યા હતા. તાપીના સોનગઢ અને ઉપરવાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી સોનગઢ તાલુકાના રસ્તા પાણી પાણી થયા છે. સોનગઢથી ટોકરવા થઈને વ્યારાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો.
વ્યારાની મિશ્ર શાળામાંથી બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ શાળામાં ફસાયેલા બાળકોને બચાવ્યા હતા. દોરડાના મદદથી ફસાયેલા બાળકો અને શિક્ષકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં પાણી ભરાતા બચાવ કામગીરી શરૂ કરાઇ હતી.
ઉપરવાસના વરસાદથી નવસારીની અંબિકા નદીની સપાટી વધી હતી. અંબિકા નદીની સપાટીમાં વધારો થતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. કાંઠા વિસ્તારના ગામના લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.
ધોધમાર વરસાદથી તાપી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સોનગઢ,ડોલવણ, ઉચ્છલ, વ્યારામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સોનગઢમાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. બે કલાકમાં સોનગઢમાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. ડોલવણમાં પાંચ, ઉચ્છલમાં સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.
ધોધમાર વરસાદથી ડોલવણ તાલુકામાં પાણી ભરાયા હતા. તાપી જિલ્લાના ગ્રામ્ય રસ્તાઓ બંધ થયા હતા. અલગ અલગ વિસ્તારના 42 રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે.