બનાસકાંઠામાં મેઘરાજાની તોફાની બેટિંગ: પાલનપુર, ડીસા, દાંતા, થરાદ સહિત અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી, પ્રશાસન સામે લોકોમાં આક્રોશ

Rain in Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, જેના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

પાલનપુર, ડીસા, ધાનેરા, દિયોદર, કાંકરેજ, વાવ, સુઈગામ, ભાભર અને લાખણી સહિતના મોટાભાગના તાલુકાઓમાં વરસેલા ધોધમાર વરસાદથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

1/6
પાલનપુરમાં માત્ર 3 ઇંચ વરસાદથી જ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ડેરી રોડ પરના રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સોસાયટીઓના રસ્તાઓ અને ઘરોમાં પણ વરસાદી પાણી ફરી વળતા નિવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બાળકોને શાળાઓમાં રજા આપવાની ફરજ પડી હતી, જ્યારે ધંધા-રોજગાર માટે નીકળતા લોકોને પણ ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી.
2/6
આ જળભરાવને કારણે સ્થાનિકોમાં પ્રશાસનની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. પાલનપુર-અમદાવાદ હાઈવે પર આવેલા ગઠામણ પાટિયા નજીક પાણી ભરાતા સ્વિમિંગ પૂલ જેવા દ્રશ્યો સર્જાયા હતા. વાહનચાલકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું અને અનેક વાહનો પાણીમાં ફસાતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
3/6
દાંતા તાલુકામાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. સ્થાનિક નદી-નાળા છલકાઈ ગયા છે. મંડારા વાસના 25થી વધુ બાળકો સવારે બોરડીયાળા પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે ગયા હતા, પરંતુ ધોધમાર વરસાદને કારણે વોંકળામાં પાણી ભરાતા તેઓ કિનારે ફસાયા હતા. બાળકોને લેવા આવેલા વાલીઓ પણ વોંકળાના સામે કાંઠે કલાકો સુધી રાહ જોવા મજબૂર બન્યા હતા.
4/6
થરાદ પંથકમાં મોડી રાત્રે વરસેલા વરસાદથી સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. થરાદના બુઢણપુર ટોલનાકા નજીક ઓવરબ્રિજ પાસે પાણી ભરાયા હતા. ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડ પર વાહનોના ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા.
5/6
અમીરગઢ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. દોઢ ઇંચથી વધુ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. ઇકબાલગઢ ઓવરબ્રિજ આગળ ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. લાખણીથી ચેકરા જાકોલને જોડતો મુખ્ય માર્ગ પણ ભારે વરસાદમાં ધોવાઈ ગયો છે. ચેકરા જાકોલથી મોટા કાપરા સુધીના રસ્તા પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો, કારણ કે વારંવારની રજૂઆતો છતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થઈ નથી.
6/6
ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પણ વરસાદથી પ્રભાવિત થયા છે. કંસારી ગામે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા પશુપાલકો અને ખેડૂતોને મુશ્કેલી પડી હતી. એક ગામથી બીજા ગામ જવાનો ખેતરનો રસ્તો પાણીથી બંધ થઈ ગયો હતો. ગ્રામજનોનો આરોપ છે કે દર ચોમાસામાં આવા રસ્તાઓ પર પાણી ભરાય છે અને વહીવટી પ્રશાસન, સરપંચ અને તલાટીને અનેક રજૂઆતો છતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થતી નથી. ડીસા તાલુકાના શેરપુરા ગામના ખેતરો વરસાદી પાણીથી બેટમાં ફેરવાઈ ગયા હતા, જ્યાં દૂર સુધી ખેતરોમાં નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા હતા.
Sponsored Links by Taboola