Amreli News: માર્કેટિંગ યાર્ડો મગફળીથી છલકાયા, પણ ખેડૂતો રાતા પાણીએ રડ્યા; જાણો કેમ 500 રૂપિયાની ખોટ ખાવા બન્યા મજબૂર?

સાવરકુંડલા યાર્ડમાં રોજની 35,000 મણ આવક, ટેકાના ભાવ ₹1452 સામે ઓપન માર્કેટમાં માત્ર ₹800-1000 મળતા ધરતીપુત્રોમાં આક્રોશ.

Continues below advertisement

અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડોમાં હાલ મગફળીની મબલખ આવક થઈ રહી છે, પરંતુ બજારમાં મંદીનો માહોલ છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં મગફળીના ઢગલા જોવા મળે છે.

Continues below advertisement
1/5
જોકે, આ વિપુલ ઉત્પાદન ખેડૂતો માટે ખુશીને બદલે ચિંતાનું કારણ બન્યું છે. સરકારે મગફળીનો ટેકાનો ભાવ 1452 રૂપિયા જાહેર કર્યો છે, પરંતુ ખુલ્લા બજારમાં ખેડૂતોને માત્ર 800 થી 1000 રૂપિયા મળી રહ્યા છે. કમોસમી વરસાદ અને નબળી ગુણવત્તાને કારણે ખેડૂતો મણ દીઠ 500 થી 600 રૂપિયાની ખોટ ખાઈને પણ પોતાની ઉપજ વેચવા મજબૂર બન્યા છે.
2/5
અમરેલી જિલ્લો મગફળીના ઉત્પાદનમાં મોખરે છે. હાલ જિલ્લાના બીજા ક્રમના સૌથી મોટા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ટોચ પર છે. દૈનિક અંદાજે 35,000 થી 50,000 મણ મગફળી ઠલવાઈ રહી છે. યાર્ડના દ્રશ્યો જોઈએ તો જ્યાં નજર કરો ત્યાં મગફળીના ડુંગરો ખડકાયેલા દેખાય છે. પરંતુ આ ચિત્રની બીજી બાજુ કડવી છે. ખુલ્લા બજારમાં જાહેર હરાજી દરમિયાન ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી, જેના કારણે 4 મહિનાની તનતોડ મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
3/5
સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે મગફળીના ટેકાના ભાવ (MSP) 1452 રૂપિયા પ્રતિ મણ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ ખુલ્લા બજારની હરાજીમાં વેપારીઓ દ્વારા માત્ર 800 થી 1000 રૂપિયા સુધીના જ ભાવ બોલવામાં આવી રહ્યા છે. આ તફાવત એટલો મોટો છે કે ખેડૂતને સીધું 500 થી 600 રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. મોંઘા ખાતર, બિયારણ અને મજૂરીના ખર્ચ સામે આ વળતર ખૂબ જ ઓછું હોવાથી ખેડૂતોમાં હતાશા વ્યાપી ગઈ છે.
4/5
ખેડૂતોની મજબૂરી પાછળ બે મુખ્ય કારણો જવાબદાર છે: નાણાંની તાત્કાલિક જરૂરિયાત: હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે અને અન્ય સામાજિક વ્યવહારો માટે ખેડૂતોને રોકડ રકમની તાતી જરૂરિયાત છે. સરકારી ખરીદીની પ્રક્રિયામાં સમય લાગતો હોવાથી તેઓ ખોટ ખાઈને પણ ખુલ્લા બજારમાં માલ વેચી રહ્યા છે. કમોસમી વરસાદની અસર: ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદે મગફળીની ગુણવત્તાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. માલ બગડી ગયો હોવાથી સરકારી ધારાધોરણો (Norms) મુજબ તે ટેકાના ભાવે વેચી શકાતો નથી, પરિણામે ખેડૂતોએ નીચા ભાવે વેપારીઓને વેચવો પડે છે.
5/5
સાવરકુંડલા યાર્ડના સેક્રેટરી મુકેશ ત્રિવેદીના જણાવ્યા મુજબ, યાર્ડમાં આવક સારી છે પરંતુ લગ્નસરાને કારણે થોડો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, પીડિત ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને ટેકાના ભાવની ખરીદીના નિયમો (Norms) માં થોડી છૂટછાટ આપવામાં આવે અને ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે, જેથી ધરતીપુત્રોને થતું આર્થિક નુકસાન અટકાવી શકાય.
Continues below advertisement
Sponsored Links by Taboola