અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સાવરકુંડલામાં જળબંબાકાર; ખાંભામાં પણ ધોધમાર
Amreli Rain: જિલ્લામાં સતત વરસાદ યથાવત સાવરકુંડલાના રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા, પાલિકાના સભ્યએ વહીવટ પર ઉઠાવ્યા પ્રશ્નો.
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત રહી છે. સાવરકુંડલા શહેરમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
1/5
અસહ્ય ગરમી અને બફારા બાદ થયેલા આ વરસાદથી લોકોને રાહત તો મળી છે, પરંતુ રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આ પરિસ્થિતિને કારણે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. પાલિકા સદસ્ય ડી.કે. પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ સમસ્યા વહીવટકર્તાઓની અણઆવડતને કારણે ઊભી થઈ છે.
2/5
સાવરકુંડલા શહેરમાં બપોર બાદ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી, જેના કારણે ટૂંકા સમયમાં જ નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના જેસર રોડ અને આસપાસની સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ખાસ કરીને સરદાર પટેલ સોસાયટી અને જેસર સ્ટેટ હાઈવે પર ભરાયેલા પાણીથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મંગલમ સોસાયટીમાં તો નદીની જેમ પાણી વહેતા થયા હતા, જેણે સ્થાનિકોની ચિંતા વધારી છે.
3/5
વરસાદી પાણીના ભરાવાને કારણે સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે. નગરપાલિકાના સદસ્ય ડી.કે. પટેલે આ અંગે સીધા સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, સરકારે શહેરના વરસાદી પાણીના નિકાલ માટે 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, છતાં પણ આ સમસ્યા ઉદ્ભવી રહી છે.
4/5
તેમણે વધુમાં ઉમેર્યું કે, 3 મહિના પહેલા યોજાયેલી પાલિકાની સામાન્ય અને બજેટ સભામાં જ્યારે આ વિસ્તારના સભ્યએ પાણી ભરાવા અંગે પ્રશ્નો કર્યા હતા, ત્યારે ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.
5/5
ડી.કે. પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ તમામ સમસ્યા પાલિકાના વહીવટકર્તાઓની અણઆવડત અને બેદરકારીને કારણે સર્જાઈ છે. તેમણે આ પરિસ્થિતિ માટે ખેદ વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ પણ આ બાબતથી દુઃખી છે.
Published at : 18 Aug 2025 07:22 PM (IST)