સુરતમાં ચાઈનીઝ દોરી બનાવવાનું મોટું કારખાનું ઝડપાયું, મોટા પ્રમાણમાં સામાન જપ્ત

illegal factory busted Surat: પાંડેસરા GIDC વિસ્તારમાં એન્જન મોનો ફિલામેન્ટ કંપનીમાં ચાલી રહ્યું હતું ગેરકાયદેસર ઉત્પાદન.

Chinese thread factory Surat: સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટા ચાઈનીઝ દોરી બનાવવાનું ગેરકાયદેસર કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. પાંડેસરા પોલીસને જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં રેડ દરમિયાન ચાઈનીઝ દોરી બનાવવા માટે વપરાતો મોટા પ્રમાણમાં કાચો માલ અને તૈયાર દોરીનો જથ્થો મળી આવ્યો છે.

1/7
ભારતમાં ચાઈનીઝ દોરીના ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં, કેટલાક લોકો હજુ પણ તેનું ગેરકાયદેસર ઉત્પાદન કરી રહ્યા છે. પાંડેસરા પોલીસે બાતમીના આધારે પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એન્જન મોનો ફિલામેન્ટ નામની કંપનીમાં દરોડો પાડ્યો હતો. આ કંપનીને ફાઇન ફિલામેન્ટ યાર્ન બનાવવાના નામે શરૂ કરવામાં આવી હતી, પરંતુ અંદર ગેરકાયદેસર રીતે ચાઈનીઝ માંજો બનાવવામાં આવી રહ્યો હતો.
2/7
સુરત એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફેક્ટરીમાં રેડ કરવામાં આવી હતી. પોલીસે અહીંથી મોટી માત્રામાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ફેક્ટરીના મેનેજર પ્રમોદ ભગવાન મંડળની ધરપકડ કરી છે, જ્યારે ત્યાં કામ કરતા 30 જેટલા કારીગરોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.
3/7
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ફેક્ટરીમાં કામદારો કાચા માલમાંથી તૈયાર માલ બનાવી રહ્યા હતા. આ ફેક્ટરીના માલિક કતારગામના રહેવાસી નરેશભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે. ફેક્ટરીમાં તૈયાર થયેલો માલ પેકિંગ કરીને અન્ય સ્થળોએ વેચવા માટે મોકલવામાં આવતો હતો. પોલીસે ફેક્ટરીમાંથી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
4/7
પોલીસે જપ્ત કરેલા માલની તપાસ કરતાં જાણવા મળ્યું કે ચાઈનીઝ દોરી પર પ્લાસ્ટિકનું પેપર વીંટાળીને તેના પર "કોબ્રા ગોલ્ડ ફોર ઇન્ડસ્ટ્રીઝ ઓન્લી"નું સ્ટીકર લગાવવામાં આવ્યું હતું. આ રીતે પેકિંગ કરીને માલને બહાર વેચવા માટે મોકલવામાં આવી રહ્યો હતો અને તેના માટેના બિલો પણ બનાવવામાં આવ્યા હતા.
5/7
પોલીસે સ્થળ પરથી ચાઈનીઝ દોરીના 277 પેક કરેલા બોક્સ જપ્ત કર્યા છે, જેમાં દરેક બોક્સમાં 60 નાના બોક્સ હતા અને દરેક નાના બોક્સમાં ચાઈનીઝ દોરીના તૈયાર કરેલા ફિરકા પેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પોલીસે 5700 જેટલા ચાઈનીઝ દોરીના તૈયાર ફિરકા અને મોટી માત્રામાં કાચો માલ પણ જપ્ત કર્યો છે.
6/7
પોલીસે આ અંગે જીએસટી વિભાગ, એફએસએલ ટીમ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરને જાણ કરી છે. તમામ વિભાગો દ્વારા નિરીક્ષણ કર્યા બાદ આવતીકાલે આ કેસમાં વધુ કલમો ઉમેરવામાં આવશે. હાલમાં પોલીસે ફક્ત જાણવાજોગ ફરિયાદ નોંધી છે અને તમામ વિભાગોના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
7/7
પોલીસને ફેક્ટરીમાંથી કેટલાક બિલો પણ મળી આવ્યા છે, જેના આધારે આ ગેરકાયદેસર દોરી ક્યાં ક્યાં મોકલવામાં આવતી હતી તેની તપાસ કરવામાં આવશે. ફેક્ટરીમાંથી પકડાયેલા મેનેજરે પોલીસને જણાવ્યું કે ઉતરાણ દરમિયાન ચેકિંગ વધુ હોવાથી તે સમયે આ કામકાજ બંધ રાખવામાં આવતું હતું અને હાલમાં જ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. હાલ તો પાંડેસરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Sponsored Links by Taboola