સુરતમાં આરોગ્ય વિભાગના દરોડા: આઈસ ગોળાના ૪ સેમ્પલ ફેઈલ, ૩૫ કિલો સીરપ-ક્રીમનો નાશ કરાયો
ગરમીમાં જાહેર આરોગ્યની સુરક્ષા માટે કાર્યવાહી, ૪ સંસ્થાઓ સામે ફરિયાદ દાખલ.
ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે અને લોકો ઠંડક મેળવવા માટે આઈસ ગોળા, આઈસ ડીશ અને શરબત જેવી ચીજવસ્તુઓનું સેવન કરતા હોય છે. જોકે, આ ખાણી-પીણીની વસ્તુઓની ગુણવત્તા જાળવવી એ જાહેર આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા આઈસ ગોળાનું વેચાણ કરતી દુકાનો અને લારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
1/4
આ કાર્યવાહીના ભાગરૂપે, ૪ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ સુરતના અલગ અલગ ઝોનમાંથી કુલ ૧૩ સંસ્થાઓમાંથી ૧૮ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાં આઈસ ગોળા, આઈસ ડીશ અને ક્રીમનો સમાવેશ થતો હતો. આ તમામ સેમ્પલને ચકાસણી માટે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા.
2/4
લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. લેબોરેટરીમાં મોકલવામાં આવેલા ૧૮ સેમ્પલ પૈકી ૪ જેટલા સેમ્પલ ફેઈલ થયા હતા, જે દર્શાવે છે કે તે ગુણવત્તા વગરના અથવા સ્વાસ્થ્ય માટે હાનિકારક હતા.
3/4
લેબોરેટરી રિપોર્ટના આધારે, મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે સંસ્થાઓના સેમ્પલ ફેઈલ થયા હતા ત્યાંથી ૩૫ કિલો જેટલું બિનઆરોગ્યપ્રદ સીરપ અને ક્રીમ જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ, જાહેર આરોગ્ય સાથે ચેડા કરવા બદલ આ ચાર સંસ્થાઓ સામે કાયદેસરની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
4/4
જે સંસ્થાઓના સેમ્પલ ફેઈલ થયા હતા અને જેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તેમાં શ્રીજી એન્ટરપ્રાઇઝ જય ભવાની ફાસ્ટ ફૂડ અને ડીશ ગોલા, અડાજણ, રજવાડી મલાઈ ગોલા, આનંદમહેલ રોડ, અડાજણ, ખોડીયાર ભજીયા અને ડિશ ગોળા સેન્ટર, વેસુ અને સેલ્સન્સ માર્કેટિંગ, હીરાબાગ, વરાછાનો સમાવેશ થાય છે.
Published at : 19 Apr 2025 07:12 PM (IST)