U19 World Cup Final: કૈફ, કોહલીથી લઇને યશ ધુલ સુધી, આ કેપ્ટનોએ અંડર-19 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાને બનાવી છે ચેમ્પિયન
અંડર-19 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા રેકોર્ડ પાંચમી વખત ચેમ્પિયન બન્યું છે. ફાઇનલમાં ઇગ્લેન્ડને ચાર વિકેટે હરાવી ભારત ચેમ્પિયન બન્યું છે. યશ ધૂલ અંડર-19 વર્લ્ડકપ જીતનાર પાંચમો ભારતીય કેપ્ટન બની ગયો છે. આ અગાઉ મોહમ્મદ કૈફ, વિરાટ કોહલી, ઉન્મુક્ત ચંદ અને પૃથ્વી શો આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌ પ્રથમ વાર ભારતીય ટીમ વર્ષ 2000માં અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. ત્યારબાદ મોહમ્મદ કૈફના નેતૃત્વમાં યુવા ટીમે શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. મોહમ્મદ કૈફ અને યુવરાજ સિંહ જેવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું હતું.
ટીમ ઇન્ડિયાએ વિરાટ કોહલીના નેતૃત્વમાં 2008માં અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. મલેશિયામાં આયોજિત ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 12 રને હરાવ્યું હતું. કોહલી ઉપરાંત રવિન્દ્ર જાડેજા, મનીષ પાંડે, સિદ્ધાર્થ કૌલ જેવા ખેલાડીઓ વિજેતા ટીમનો ભાગ હતા.
2012માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા વર્લ્ડ કપની ફાઇનલમાં ઉન્મુક્ત ચંદની આગેવાનીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવીને ત્રીજી વખત ટ્રોફી જીતી હતી. કેપ્ટન ઉન્મુક્ત ચાંદે શાનદાર પ્રદર્શન કરતા અણનમ સદી ફટકારી હતી.
2018મા વર્તમાન સિનિયર ટીમના કોચ રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ ચોથી વખત ટ્રોફી જીતી હતી. આ વર્લ્ડ કપમાં પૃથ્વી શૉએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. તે ટીમમાં શુભમન ગિલ, રિયાન પરાગ, શિવમ માવી જેવા સ્ટાર્સ પણ સામેલ હતા.
2022માં ભારતીય ટીમ પાંચમી વખત અંડર-19 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની છે. ઇગ્લેન્ડ સામે રમાયેલી ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો ચાર વિકેટે વિજય થયો છે. યશ ધૂલની કેપ્ટનશીપમાં ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો. ઇગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 189 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ છ વિકેટ ગુમાવી 195 રન કરી મેચ જીતી લીધી હતી.