PSL: પીએસએલએ બદલી આ પાકિસ્તાન ક્રિકેટર્સનું નસીબ, ક્રિકેટ જગતને મળ્યા આ પાંચ મોટા સ્ટાર્સ
પાકિસ્તાન સુપર લીગની પ્રથમ સિઝન 2016માં રમાઈ હતી. આ લીગે પાકિસ્તાન ક્રિકેટને અત્યાર સુધી ઘણા મોટા સ્ટાર ખેલાડીઓ આપ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહીન આફ્રિદીને પાકિસ્તાન સુપર લીગની સૌથી મોટી ભેટ ગણી શકાય. આ ખેલાડીએ PSL 2017/18માં ડેબ્યૂ કર્યું હતું. અહીં આફ્રિદીને માત્ર 7 મેચ રમવાની તક મળી પરંતુ તેણે જોરદાર બોલિંગ કરી હતી. આ 7 મેચમાં આ યુવા બોલરે 7 વિકેટ ઝડપી હતી. તેની ઝડપ, સ્વિંગ અને રિવર્સ સ્વિંગે પાકિસ્તાની પસંદગીકારોને આકર્ષ્યા હતા. એપ્રિલ 2018માં જ શાહીનને T20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કરવાની તક મળી અને હાલમાં આ ખેલાડીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાને મહત્વનો બોલર સાબિત કરી દીધો છે.
હરિસ રઉફ પાકિસ્તાન સુપર લીગની બીજી મોટી શોધ છે. હરિસે વર્ષ 2019માં પીએસએલમાં ડેબ્યૂ કર્યું હતું. અહીં તેણે 10 મેચમાં 7.41ની ઇકોનોમી અને 24.27ની એવરેજથી 11 વિકેટ લીધી હતી. હરિસે તેની 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પાકિસ્તાની પસંદગીકારોને આકર્ષિત કર્યા હતા. હરિસને જાન્યુઆરી 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી અને હવે તે શાહીન આફ્રિદીની સાથે પાક બોલરોમાં મુખ્ય બોલર છે.
પાકિસ્તાનનો ટોપ ઓર્ડર બેટ્સમેન ફખર ઝમાન પણ PSL 2017માં તેના જોરદાર પ્રદર્શન બાદ જ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી શક્યો હતો. ફખર ઝમાને PSL 2017માં 10 ઇનિંગ્સમાં 147.34ની સ્ટ્રાઇક રેટ અને 27.70ની એવરેજથી 277 રન બનાવ્યા હતા. તેના મજબૂત સ્ટ્રાઈક રેટના કારણે જ તેને પાકિસ્તાનની ટીમમાં જગ્યા મળી. આ પછી તે નિયમિતપણે પાક ટીમના પ્લેઇંગ-11નો ભાગ રહ્યો છે.
વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર મોહમ્મદ હસનૈન પણ પીએસએલમાં પોતાના પ્રદર્શનથી જ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી શક્યો હતો. આ પાકિસ્તાની ફાસ્ટ બોલરે PSL 2019માં માત્ર 7 મેચમાં 17.58ની બોલિંગ એવરેજથી 12 વિકેટ લીધી હતી. આ શાનદાર પ્રદર્શન બાદ તરત જ તેને રાષ્ટ્રીય ટીમમાં જગ્યા મળી ગઈ. તેને પાકિસ્તાનની T20 વર્લ્ડ કપ 2022ની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાદાબ ખાન પણ વર્ષ 2017માં પ્રથમ પીએસએલ રમ્યો હતો. ત્યારબાદ આ યુવા સ્પિન ઓલરાઉન્ડરે ખૂબ જ સારી બોલિંગ કરતા 12 મેચમાં 9 વિકેટ લીધી હતી. શાદાબને અહીં ઓછી વિકેટ મળી હતી પરંતુ તેણે માત્ર 6.54ના અદભૂત ઇકોનોમી રેટથી બોલિંગ કરી હતી. તેને 2017માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી અને હાલમાં આ ખેલાડી પાકિસ્તાન ટીમનો સૌથી મોટો ઓલરાઉન્ડર છે. (તમામ તસવીરો ટ્વિટર પરથી લેવાઇ છે)