સાવધાન! વોટ્સએપ પર ચાલી રહ્યું છે બ્લરી ઇમેજ કૌભાંડ, તમારી એક ક્લિક ખાલી કરી શકે છે બેંક ખાતું
અજાણ્યા નંબરથી આવતી બ્લર તસવીરોથી રહો સાવધ, જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી.
દેશમાં સાયબર ફ્રોડના કેસો સતત વધી રહ્યા છે, અને હવે ઠગબાજોએ વોટ્સએપ પર લોકોને છેતરવા માટે એક નવી રીત શોધી કાઢી છે. આ નવી ફ્રોડ ટેકનિકને બ્લર ઇમેજ સ્કેમ તરીકે ઓળખવામાં આવે છે, જે તમારી જિજ્ઞાસાનો ઉપયોગ કરીને તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.
1/6
આ કૌભાંડની શરૂઆત તમારા વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી આવતી બ્લર એટલે કે અસ્પષ્ટ તસવીરથી થાય છે. આ ફોટાની સાથે એક એવો સંદેશ લખેલો હોય છે જે તમારી ઉત્સુકતાને વધારે છે. આવા સંદેશાઓમાં સામાન્ય રીતે "શું આ તમારો જૂનો ફોટો છે?", "શું તમે આમાં છો? જરા તેને જુઓ!", અથવા "જુઓ આ કોણ છે..." જેવા લખાણો હોય છે.
2/6
મોટાભાગના લોકો આવા મેસેજ વાંચ્યા પછી તે ફોટો ખોલવાનો પ્રયાસ કરે છે. જેવી તમે તે ફોટા પર ક્લિક કરો છો, કે તરત જ તમને એક નકલી લિંક પર રીડાયરેક્ટ કરવામાં આવે છે. અહીંથી જ તમને છેતરવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે.
3/6
આ લિંક તમને એક નકલી વેબસાઇટ પર લઈ જાય છે, જ્યાં તમારી પાસે ઓટીપી (OTP), બેંક ખાતાની વિગતો અથવા તમારી કોઈ પણ વ્યક્તિગત માહિતી માંગવામાં આવે છે. કેટલીકવાર આ લિંક તમારા ફોનમાં વાયરસ અથવા માલવેર પણ ઇન્સ્ટોલ કરી દે છે.
4/6
આ બ્લર ઇમેજ કૌભાંડ દ્વારા તમારા બેંક ખાતામાંથી પૈસા ગાયબ થઈ શકે છે. એટલું જ નહીં, તમારા વોટ્સએપ, ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હેક થઈ શકે છે. આ ઉપરાંત, તમારી અંગત તસવીરો અથવા અન્ય મહત્વપૂર્ણ ડેટાની પણ ચોરી થઈ શકે છે. સૌથી ખતરનાક વાત એ છે કે તમારા ફોનમાં વાયરસ અથવા સ્પાયવેર ઇન્સ્ટોલ થવાથી તમારી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી શકે છે.
5/6
આ ખતરનાક કૌભાંડથી બચવા માટે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. સૌથી પહેલા તો અજાણ્યા નંબર પરથી મળેલી કોઈપણ શંકાસ્પદ તસવીર કે લિંકને ક્યારેય ખોલશો નહીં. તમારા વોટ્સએપની પ્રાઇવસી સેટિંગ્સને વધુ સુરક્ષિત બનાવો.
6/6
તમારા એકાઉન્ટ પર ટુ-સ્ટેપ વેરિફિકેશન હંમેશા ચાલુ રાખો. તમારા ફોનમાં એક સારી એન્ટી વાઈરસ એપ ઇન્સ્ટોલ કરો અને તેને નિયમિત રીતે અપડેટ કરતા રહો. જો ભૂલથી કોઈ આવી લિંક પર ક્લિક થઈ જાય, તો તરત જ તમારા બેંક ખાતાના પાસવર્ડ બદલો અને તાત્કાલિક બેંકને આ અંગે જાણ કરો. સાવચેતી જ સલામતી છે!
Published at : 13 Apr 2025 08:21 PM (IST)