રાજકોટઃ બે સંતાનોની માતાના પ્રેમમાં પડ્યો પાડોશી યુવક, જાણો શું આવ્યો અંજામ
યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે વનરાજસિંહ દરરોજ દારૂ પી આવતો અને ધમાલ કરતો હતો. ગઇ મોડી રાત્રે પણ તે દારૂ પીને આવ્યો હતો અને અમારા પર હુમલો કર્યો હતો જેના બચાવમાં અમે પણ તેના પર હુમલો કર્યો હતો. પોલીસે યુવતીના માતા-પિતા અને બે ભાઇ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટઃ શહેરમાં ગઇ મોડી રાત્રે અશોક ગાર્ડન પાસે યુવાનની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. યુવકને બોથડ પદાર્થ મારી હત્યા કરાઇ હતી. મળતી વિગતો અનુસાર, મવડી પ્લોટ પાસે અમરનગરમાં બહુચર વિદ્યાલય સામે રહેતા અને ડ્રાઇવિંગ કરી ગુજરાન ચવાલતા 30 વર્ષીય વનરાજસિંહ હરિસિંહ પરમારની ગઇકાલે મોડી રાત્રે અશોક ગાર્ડન પાસે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
મૃતકની માતાએ પોતાના પાડોશી પર પુત્રની હત્યાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, મારો પુત્ર પાડોશમાં રહેતી એક યુવતીના પ્રેમમાં હતો. આથી તેના પરિવારે હત્યા કરી છે. પરંતુ યુવતીના પરિવારજનોએ હત્યા કર્યાનો ઇનકાર કર્યો હતો.
મૃતકની માતાના કહેવા પ્રમાણે,પ્રેમસંબંધના મનદુઃખને કારણે ચુનિલાલ, તેની પત્નિ હંસા અને બે પુત્રો ધારીયા-કુહાડી સાથે રાત્રે અમારા ઘરમાં ઘૂસી આવ્યા હતાં. મારા દિકરા વનરાજસિંહને મારવા માટે શોધતા હોઇ તે જીવ બચાવવા ઘરેથી અશોક ગાર્ડન તરફ ભાગી ગયો હતો. આ બધાએ પાછળ જઇ ત્યાં તેને પકડી લઇ પતાવી દીધો હતો.
પોલીસના કહેવા પ્રમાણે, વનરાજસિંહને તેમના પાડોશી ચુનિલાલની પરિણીત પુત્રી શિલ્પા સાથે પ્રેમ સંબંધ હતો. શિલ્પા તેના પતિને છોડીને પિયર રહેવા આવી ગઇ હતી. શિલ્પા બે સંતાનોની માતા છે.