રાજકોટઃ વેસ્ટ ઇન્ડિઝ સામે વિરાટે માંગી ફાસ્ટ બોલરને મદદ કરે તેવી પીચ, BCCIએ મોકલ્યા ક્યુરેટર, ભડક્યું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન
આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સભ્ય નિરંજન શાહે જણાવ્યું કે, બીસીસીઆઈનો ફેંસલો ખોટું ઉદાહરણ રજૂ કરી રહ્યો છે. એસોસિએશન પાસે અનુભવી પીચ ક્યુરેટર્સ છે, જેઓ વર્ષના 365 દિવસ કામ કરે છે. સૌરાષ્ટ્ર વર્ષો જૂનું એસોસિએશન છે. અનેક વર્ષોથી મેચની યજમાની કરી રહ્યું છે. જો મેચ બાદ બીસીસીઆઈને પીચને લઈ કોઈ પરેશાની થશે તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કોઈપણ દોષ તેના પર નહીં લે. બીસીસીઆઈએ જ તમામ જવાબદારી લેવી પડશે.
ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 4 ઓક્ટોબરથી રાજકોટમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.
શાહે કહ્યું કે, જો બીસીસીઆઈ પીચને લઈ ચિંતિત હોય તો તેમણે દરેક મેચમાં બોર્ડના ક્યુરેટરની નિમણૂક કરવી જોઈએ. રણજી ક્રિકેટમાં પણ પોતાના ક્યુરેટરની વરણી કરવી જોઈએ. સ્થાનિક ક્યુરેટર્સને બહારથી આવતા લોકોની તુલનામાં વધારે જાણકારી હોય છે તેમ પણ શાહે જણાવ્યું હતું. જો તમારે પીચમાં કંઇક અલગ જોઈએ તો સ્થાનિક ક્યુરેટર્સ પણ કરી શકે છે. હું બીસીસીઆઈના આ પગલાંથી નારાજ છું.
રાજકોટઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટે વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણીમાં ફાસ્ટ બોલરોને મદદ કરે તેવી ઉછાળ ભરી પીચની માંગ કરી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે આ પરિસ્થિતિમાં વિરોધી ટીમનો કેવી રીતે મુકાબલો કરી શકે છે તેવા જોવા માંગે છે. ટીમ મેનેજમેન્ટની માંગ પર બીસીસીઆઈ દ્વારા બે ક્યૂરેટર દલજીત સિંહ અને વિશ્વજીત પોદ્દારને રાજકોટ મોકલ્યા છે. જેઓ પીચ પર નજર રાખશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને બીસીસીઆઈના આ પગલાં પર નારાજગી વ્યક્ત કરી છે.