નિલેશ રૈયાણી હત્યા કેસ: ભાજપ MLAને કરાયા ગોંડલ સબજેલ હવાલે
રાજકોટ: ગોંડલના ચકચારી નિલેશ રૈયાણી હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ત્રણ લોકોને ગોંડલ સેસન્સ કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું. અહીંથી તેઓને ગોંડલ સબજેલ હવાલે કરવામાં આવ્યા હતાં. હાઇકોર્ટના સજાના ચૂકાદા સામે સુપ્રીમ કોર્ટમાં સ્ટે માટે અપીલ કરવામાં આવી હતી, જોકે સુપ્રીમ કોર્ટે અપીલ ફગાવી 30 તારીખ સુધીમાં સરેન્ડર કરવા તાકીદ કરી હતી. જયરાજસિંહ, અમરજિતસિંહ સહિત ત્રણ લોકો ખૂલતી કોર્ટે સરેન્ડર કર્યું હતું. ગોંડલ સેશન્સ કોર્ટ બહાર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતાં. જેને પગલે ગોંડલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
નિલેશ રૈયાણી હત્યા કેસમાં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ રાણાએ ગોંડલ સેશન્સ કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું. કોર્ટના ન્યાયમૂર્તિ એમ.એન.પુરોહિતે ત્રણેયને જેલ હવાલે કર્યાં હતાં. કોર્ટમાંથી પોલીસ જ્યારે જયરાજસિંહને જીપમાં બેસાડ્યા તો તેઓએ કહ્યું કે કોઇ સમર્થક જેલ સુધી પાછળ ન આવે અને શાંતિ જાળવી રાખવી. જયરાજસિંહ સરેન્ડર કરવાની વાતને લઇને સેશન્સ કોર્ટમાં લોકોની ભીડ જોવા મળી હતી. જેને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
કેસની વિગત મુજબ, તારીખ 08-02-2004ની રાતે ગોંડલમાં જેસિંગ કાળા ચોકમાંથી યુટિલિટી જીપમાં પસાર થઇ રહેલા વાછરા ગામના નિલેશ મોહનભાઇ રૈયાણી, જયેશ સાટોડિયા અને રામજી મારકણા કન્યા છાત્રાલય અને ત્યાંથી પરત રાજવાડી તરફ જઇ રહ્યા હતા તે દરમિયાન ત્રણ ગાડીમાં આવેલા જયરાજસિંહ, અમરજીતસિંહ જાડેજા સહિતના આરોપીઓએ ફાયરિંગ કરીને નિલેશ રૈયાણીની હત્યા કરી હતી. આરોપીઓએ વિક્રમસિંહની હત્યાનો બદલો લેવા પૂર્વાયોજિત કાવતરું રચીને હત્યા કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.