ધ્રાંગધ્રાના પટેલ યુવાન સહિત બેનું નકલી એન્કાઉન્ટર, PI સહિત પાંચ પોલીસોની ધરપકડ, જાણો શું છે કેસ
રાજકોટ:કુખ્યાત અપરાધી શક્તિ ઉર્ફે પેંડો અને ધ્રાંગધ્રાના પટેલ યુવાન પ્રકાશ લુણાગરીયાની હત્યાના કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે થોરાળાના પીઆઈ સુખવિંદરસિંહ ગડ્ડુ, પીએસઆઇ એસ. બી. સોલંકી, કોન્સ્ટેબલો અનિલસિંહ ગોહિલ, ચેતનસિંહ ગોહિલ અને હિતેશ પરમાર એ પાંચ પોલીસોની ધરપકડ કરતાં ખળભળાટ મચ્યો છે.
પોલીસે ધ્રાંગધ્રાના નરસિંહનગરમાં જઇ વિસ્તારમાં રહેતા કેટલાક લોકોના નિવેદન નોંધ્યા હતા. તમામે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, 31મીની રાત્રે રાજકોટ શહેર પોલીસના બે અધિકારી સહિત 4 થી6 પોલીસમેન જુદી-જુદી બે કારમાં આવ્યા હતા અને પેંડા સહિતનાઓને ઉઠાવી ગયા હતા.
બાદમાં કલેક્ટરે તપાસની ખાત્રી આપતાં લાશ સ્વીકારાઇ હતી. ગત રવિવારે પોલીસે આ કેસના ત્રણ આરોપીઓ સમક્ષ 35 પોલીસ કર્મચારીઓની ઓળખ પરેડ કરાવી હતી. જેમાં ત્રણ પૈકી એક આરોપીએ થોરાળાના પીઆઇ એસ.એન.ગડ્ડુને ઓળખી બતાવ્યા હતા. તેના પગલે એસીપી સોલંકીની ટીમ ધ્રાંગધ્રા દોડી ગઇ હતી.
આ ઉપરાંત થોરાળાના પીઆઇ ગડુ, ધ્રાંગધ્રાના પોલીસ અધિકારી વી.આર.ચૌધરી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત તપાસમાં ખૂલે તે અન્ય અધિકારી, કર્મચારીઓની સંડોવણી હોવાની દ્રઢ શંકા દર્શાવી હતી. પ્રકાશના પિતા તથા અન્ પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં ધરણા પર બેસી લાશ સ્વીકારવાનો ઇનકાર પણ કરી દીધો હતો.
થોરાળામાં માર મારતી વખતે પીઆઇ ગડુએ પેંડાના કાન પાસે રિવોલ્વર રાખી ફાયરિંગ કર્યાનો આક્ષેપ પણ કરાયો હતો. કોર્ટમાં કરેલી અરજીમાં પુત્રની હત્યામાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવી, પીએસઆઇ કે.કે.જાડેજા, પીએસઆઇ કાનમિયા, ભક્તિનગરના પીઆઇ વી.કે. ગઢવીનાં નામ દર્શાવાયાં હતાં.
તેમના આક્ષેપ પ્રમાણે રાજકોટમાં દ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી હેડ ક્વાર્ટરમાં, ભક્તિનગર પોલીસમથક અને થોરાળા પોલીસ મથકમાં ઢોર માર મરાતાં બંનેનાં મોત થયા હતા. પોલીસ કસ્ટડીમાં થયેલી બેવડી હત્યાના બનાવને પોલીસે લૂંટની ભાગ બટાઇમાં થયેલી ગેંગવોરમાં ખપાવી હત્યાની ખોટી ફરિયાદ દાખલ કરી હતી.
રાજકોટ ક્રાઈમ બ્રાંચને સોપાયેલા શખ્સોમાં પ્રકાશ લુણાગરિયા, શક્તિ ઉર્ફે પેંડો પ્રદીપસિંહ ઝાલા, કાદર નિયામત મલેક, પ્રકાશ રણછોડભાઇ પરમાર, યુવરાજસિંહ લાલુભા ઝાલા હોવાનું તેમણે જણાવ્યું હતું. પકડાયેલા શખ્સોને રાજકોટ લાવતાં પહેલા ધ્રાંગધ્રામાં ઢોરમાર મારી સરઘસ કાઢવામાં આવ્યું હતું તેવો આક્ષેપ પણ કરાયો હતો.
પ્રકાશના પિતા દેવરાજભાઇ લુણાગરિયાએ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરે ધ્રાંગ્રધ્રાના પોલીસ અધિકારી વી.આર. ચૌધરીએ દારૂની રેડ કરીને પુત્ર પ્રકાશ અને શક્તિ ઉર્ફે પેંડા સહિત 7 શખ્સને પક્ડયા હતા. આ પૈકી 2 સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી બાકીના શખ્સોને રાજકોટ ક્રાઇમ બ્રાંચને સોંપી દીધા હતા.
પોલીસના કહેવા પ્રમાણે 1 જાન્યુઆરીની રાતે લૂંટની ભાગબટાઇમાં શક્તિ અને પ્રકાશની ગેંગ વચ્ચે થયેલી મારામારીમાં બંનેનાં મોત નિપજ્યા હતા. જો કે શક્તિની માતા નીતાબેન અને પ્રકાશના પિતાએ પેંડા સહિતના આરોપીઓને પોલીસે ધ્રાંગધ્રાથી ઉઠાવી માર મારી હત્યા કર્યાનો આક્ષેપ કર્યો હતો.