રાજકોટઃ ધનિક પરિવારની યુવતીના આડાસંબંધની ભાઈઓને થઈ ગઈ જાણ, પછી શું આવ્યો અંજામ?
પોલીસે મૃતકના પરિવારના તમામ સભ્યોના મોબાઇલની કોલ ડિટેલ, લોકેશન તેમજ બાતમીદારોના સંપર્કથી અરજીને સમર્થન મળતા યુવતીના પરિવારના પુરુષોને નિવેદન માટે બુધવારે ક્રાઇમબ્રાન્ચ બોલાવ્યા હતા. પૂછપરછમાં યુવતીની હત્યા ગોળી મારીને નહીં પરંતુ ઝેર પાઇને કરી હોવાની કેફિયત આપી હતી.
રાજકોટના છેવાડાના વિસ્તારમાં લાવ્યા પછી યુવકે સગી બહેનને બંદૂકના ભડાકે દીધી હતી.આ પછી મૃતદેહને વતન લઇ જઇ બારોબાર અગ્નિસંસ્કાર કરી નાખ્યા હતા. અરજીની ગંભીરતા ધ્યાને લઇને કમિશનર અનુપમસિંહ ગેહલોતે ક્રાઇમબ્રાંચને તપાસનો આદેશ કર્યો હતો. ક્રાઇમબ્રાંચે બનાવની તલસ્પર્શી તપાસ શરૂ કરી હતી.
મૂળ જસદણના વતની અને રાજકોટમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન નજીકની ભદ્ર સોસાયટીમાં રહેતા ગર્ભ શ્રીમંતની એકની એક પુત્રીને તેના સગાભાઇએ રાજકોટમાં છેવાડાના વિસ્તારમાં લાવીને ભડાકે દઇ દીધાની કમિશનરને અરજી મળી હતી. અરજીમાં જણાવ્યા મુજબ ગત 25 મેના રોજ યુવતીને તેનો સગો ભાઇ વતનથી કારમાં રાજકોટ લાવ્યો હતો. બહેન સાથે માતાને પણ કારમાં લઇ ગયો હતો.
આ હત્યા પછી પોલીસમાં કોઇ જાણ કર્યા વિના પરિવારજનોએ યુવતીના અંતિમ સંસ્કાર કરી નાંખ્યા હતા અને પુત્રના કાળા કરતૂત ઉપર પડદો પાડી દીધો છે. આ પ્રકારની અરજી પોલીસને મળી હતી. જેના આધારે હત્યાના બનાવની પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. હત્યારા બીરેન બીસુભાઈ વાળા અને રાજવીર વાળાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ ફરાર છે.
પોલીસે આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરતાં બહેનના આડાસંબંધમાં તેમણે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તેમણે એવી પણ કેફિયત આપી છે કે, જસદણના એક ગામમા લઈ જઈ દવા પીવડાવી હત્યા કરી હતી. આ હત્યામાં બે ભાઈઓ સિવાય અન્ય ત્રણ લોકોએ પણ મદદગારી કરી હતી. આ હત્યા કેસમાં સામેલ ત્રણ સાગરીતો ગૌતમ, મહેશ અને રઘુ ગીડાની શોધખોળ પોલીસ કરી રહી છે.
રાજકોટ: જસદણ તાલુકાના વતની અને રાજકોટમાં ભદ્ર વિસ્તારમાં બંગલો ધરાવતા ધનિક પરિવારની યુવતીની તેના જ બે સગાઈ ભાઈઓએ હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવતીના આડાસંબંધોની જાણ થઈ જતાં 20 દિવસ પહેલા જસદણ પાસે કારમાં લાવ્યા બાદ યુવતીને મારી નાંખી હતી. ત્યારે પોલીસે આ બંને ભાઈઓની ધરપકડ કરી છે.