રાજકોટ: ડેકોરા ગ્રુપ પર ITના દરોડા, 18 જગ્યાએ થઈ રહી છે સર્વેની કામગીરી
આ ઉપરાંત રાજકોટના મોટા ઉદ્યોગપતિમાં જેમની ગણના થયા છે તેવા જમનભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં દરોડાં પાડવામાં આવ્યા છે. ડેકોરા બિલ્ડર્સ ઉપરાંત ગાર્ડન ગ્રુપ સિટીના દિલીપ લડાની અને સ્મિત કનેરિયાને ત્યાં પણ સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટઃ શહેરના જાણીતા બિલ્ડર્સ ડેકોરા ગ્રુપ પર આજે સવારથી આઈટીએ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં કુલ 44 જગ્યાએ આઈટીએ રેડ કરી છે. જેમાં 26 સ્થળે દરોડા અને 18 જગ્યાએ સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરોડાની કાર્યવાહીમાં આવકવેરા વિભાગના 132 અધિકારીઓ જોડાયા છે.
ડેકોરા ગ્રુપના તમામ ભાગીદારોના ઘરે વહેલી સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્ચ કાર્યવાહી ચાલી રહી છે. આ માટે આવકવેરા વિભાગે અલગ અલગ 26 ટીમો તૈયાર કરી છે. આ કાર્યવાહી મોડી સાંજ અથવા આવતીકાલ સુધી ચાલે તેવી શક્યતા છે. કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં ટેક્સ ચોરી મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવકવેરા વિભાગની રેડ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.