દાઉદ ગેંગની બંને યુવતીઓને રામદાસ સાથે શું છે સંબંધ, કઈ રીતે શરૂઆત થઈ સંબંધોની ?
જ્યારે આ યુવતી તેના પિતાને મળવા જતી ત્યારે રામદાસ પણ જેલમાં હતો અને બન્નેની આંખ મળી જતા પ્રેમ પાંગર્યો હતો. ગઇકાલે ક્રાઇમબ્રાન્ચ દ્વારા મુંબઇથી બન્ને યુવતીઓને રાજકોટ લવાઇ છે.
રાજકોટ: રાજકોટમાંથી ઝડપાયેલા ડી ગેંગના આરોપી રામદાસ તેની ગર્લફેન્ડ સાથે રાજકોટ આવી ગયો હતો અને તેની રેકી કરી હતી. ડી ગેંગના મુખ્ય શાર્પશૂટર રામદાસની ગર્લફ્રેન્ડ અશ્વિની તેનાથી અડધી ઉંમરની છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા. ત્યાંથી રામદાસ રહાણેની ધર્મની બહેન રિઝવાના શેખની ધરપકડ કરી, તેની પાસેથી એક પિસ્તોલ, ચાર જીવતા કાર્ટિસ અને પાંચ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. ત્યાંથી રામદાસની ગર્લફેન્ડ અશ્વિની મળી આવી હતી.
પોલીસના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે રામદાસની ઉંમર 42 વર્ષની અને તેની પ્રેમિકા અશ્વીની 22 વર્ષની છે. છેલ્લા કેટલાક સમયથી કેરિયર તરીકે ગર્લફ્રેન્ડ પણ ડી ગેંગમાં જોડાઈ હતી અને તેના કામ કરતી હતી. પરંતુ તેની ચોક્કસ ભૂમિકા શું હતી તે હજુ પોલીસ પૂછપરછ કરી રહી છે. રામદાસ પરિણીત છે.
પોલીસ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અશ્વિનીના પિતા અને રિઝવાનનો દિકરો હાલ જેલમાં છે. બન્ને યુવતીઓ કેરિયર તરીકે કામ કરતી હતી.