રાજકોટઃ ઠાકર હોટલના વિવેક સામે રેપ, સગીરાની છેડતીની ફરિયાદ થતાં ગયેલો જેલમાં, જાણો શું હતો કેસ ?
રાજકોટ: રાજકોટની ઠાકર હોટલ પરિવારના યુવાન વિવેકનું શંકાસ્પદ મોત નીપજતાં ખળબળાટ મચ્યો છે. વિવેક અગાઉ બળાત્કારના કેસમાં જેલમાં ગયો હતો તેના કારણે ઘેરૂં રહસ્ય ઉભું થયું છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું કારણ જાણવા મળશે અને આ રહસ્ય પરથી પડદો ઉંચકાશે તેવી આશા છે.
બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ દોડી ગઇ હતી અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. વિવેક ઠાકરના શંકાસ્પદ મોત પાછળ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ત્યારે હાલ વિસેરા લેવામાં આવ્યા છે. મોતનું કારણ અકબંધ છે. વિવેકની હત્યા કરવામાં આવી છે કે પછી આત્મહત્યા કરી છે તે રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે.
વિવેક પરીણિત છે અને તેની પત્નિનું નામ ડિમ્પી છે તથા સંતાનમાં એક પુત્ર મનન છે. વિવેકના શરીર પર ઇજાના કોઇ નિશાન નહોતા. વિવેકનું ઝેરથી મૃત્યુ થયાની શંકાએ મૃતકના વિસેરા લઇ ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલાયા હતા. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે.
હિનાએ વિવેક સાથે મૈત્રી કરાર કર્યા હતા અને બંને સાથે રહેતાં હતાં. હિનાએ 19 વર્ષ પહેલાં રાજસ્થાનના એક યુવક સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેના પતિને અન્ય સ્ત્રી સાથે સબંધ હોવાથી અવારનવાર ઝઘડા થતાં છૂટાછેડા થયા હતા. બાદમાં વિવેક સાથે ઓળખ થઇ હતી.
વિવેક ઠાકર સામે દોઢેક વર્ષ પૂર્વે નવસારીની યુવતી હીનાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે, વિવેકે લગ્નની લાલચ આપી તેની સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા અને તેની પુત્રીની પણ છેડતી કરી હતી. વિવેક સામે બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો.
પ્રદ્યુમન પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ. રાવલે જણાવ્યું હતું કે, બુધવારે સવારે 8.30 વાગ્યે પોતાના ઘરે ચક્કર આવ્યા બાદ પડી ગયા હતા. ચક્કર આવ્યા બાદ બેભાન થઇ ગયેલા વિવેકને તાકીદે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.
વિવેકના પિતા ઓમશંકરભાઇ ઠાકર મૂળ મોરબીના છે. તેમને સંતાનમાં બે પુત્રો વિવેક અને કૃષાંક હતા. વિવેક બે ભાઇઓમાં મોટો ભાઇ હતો. ઠોકર હોટલની શરૂઆત મોરબીમાં થઇ હતી. ત્યારબાદ રાજકોટમાં જ્યુબિલી બાગ સામે અને અમદાવાદમાં પણ હોટલ બનાવી છે.