ચહર ભાઈઓ મૂળ યૂપીના આગ્રાના રહેવાસી છે પણ ઘરેલુ ક્રિકેટમાં રાજસ્થાન તરફથી રમે છે. દીપકના પિતા લોકેન્દ્રસિંહ એરફોર્સમાં કાર્યરત હતા અને જ્યારે તે જયપુરમાં હતા ત્યારે દીપકે પ્રોફેશનલ ક્રિકેટ કારકિર્દી શરૂ કરી હતી. દીપકને જોઈને રાહુલે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી.
રાહુલ દીપકની જેમ ફાસ્ટ બોલર બનવા માગતો હતો પણ દીપકના પિતાને લાગ્યું કે રાહુલના બોલ ટર્ન થાય છે. તેથી તેમણે રાહુલને લેગ સ્પિનર બનવા પ્રેરિત કર્યો હતો. રાહુલ સૌ પ્રથમ 2013-14માં ચર્ચામાં આવ્યો હતો. જ્યાં તેણે વિજય મર્ચન્ટ ટ્રોફીની 4 માંથી ત્રણ મેચમાં 5-5 વિકેટ ઝડપી હતી.
2017માં રાહુલને આઈપીએલનાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ ટીમમાં સ્થાન મળ્યું હતું. જોકે તેને રમવાની વધારે તક મળી ન હતી. આ પછી 2018 પહેલા મુંબઈ ઇન્ડિયન્સે તેને 1.9 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 2018માં વધારે તક ન મળી પણ 2019માં તેનો રોલ મહત્વપૂર્ણ હતો. તેણે 13 મેચમાં 13 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે ઓવરમાં સાતથી ઓછા રન આપ્યા હતા.