લંડનઃ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત પોતાની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે. આ મુકાબલો જોરદાર હશે તેવી સૌ આશા રાખે છે ત્યારે આ મેચ પહેલાં દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર્સ કાગિસો રબાડાએ ભારતના કેપ્ટન વિરાટ કોહલીને ઉશ્કેરવાની કોશિશ કરતાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.



રબાડાએ એક ઈન્ટરવ્યૂમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ‘અપરિપકવ’ ગણાવ્યો હતો. રબાડાએ કહ્યું કે, હું ગેમપ્લાન વિશે વિચારતો હતો ને વિરાટ કોહલી વિશે પણ વિચારતો હતો. જો કે વિરાટ અપરિપક્વ છે. તેણે મારી બોલિંગમાં ચોગ્ગો ફટકાર્યો પછી કંઈક કહ્યું પણ જ્યારે તેને જવાબ આપો ત્યારે એ ગુસ્સે થઈ જાય છે.



રબાડાએ કહ્યું કે, વિરાટ આ રીતે એટલા માટે વર્તે છે કે તેના કારણે એ રમી શકે છે પણ મારા માટે એ અપરિપક્વ છે. વિરાટ મહાન ખેલાડી છે પણ કોઈ કશું બોલે તો એ સહન કરી શકતો નથી. રબાડાના આ નિવેદનના કારણે આજની મેચમાં બંનેની ટક્કર અંગે ઉત્તેજના ફેલાયેલી છે.

આજની મેચ પહેલાં પત્રકાર પરિષદમાં આ અંગે પૂછાતાં કોહલીએ કહ્યું કે. હું રબાડાની સામે કેટલીય વખત રમ્યો છું ને મારે તેની વાતનો અહીં જવાબ આપવાની જરૂર નથી. હું તેને મેદાન પર જવાબ આપીશ. રબાડા વિશ્વ કક્ષાનો બોલર છે ને તેમની પાસે એવી યોગ્યતા છે કે તે ગમે ત્યારે, ગમે તે બેટસમેનને ધોઇ શકે છે.