મુંબઈ: પહેલવાન મહાવીર ફોગટની બાયોપિકમાં મહાવીરની ભૂમિકા ભજવનારા મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન, મહાવીરની પુત્રી ગીતાના લગ્નમાં હાજર રહેશે. ફિલ્મમાં આમિર ગીતાના પિતાનો રોલ કરી રહ્યા છે. ગીતાના લગ્ન હરિયાણામાં ફોગટ પરિવારના ગામમાં થશે જ્યાં આમિર ઉપસ્થિત રહી ગીતાને આર્શિવાદ આપશે. લગ્ન 20 નવેંબરના યોજાશે. આ દિવસે આમિર અદવૈત ચંદનની આગામી ફિલ્મની શુટિંગનો વ્યસ્ત પ્લાન હતો, પરંતુ લગ્નને લઈને આમિરે તમામ કામ પછી કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મમાં આમિરની પુત્રીનો રોલ ફાતિમા, સાન્યા એ નિભાવ્યો છે. છેલ્લા બે વર્ષમાં દંગલ ફિલ્મમાં કામ કરવા દરમિયાન આમિરે મોટા ભાગનો સમય ગીતા, બબીતા અને મહાવીર ફોગટ સાથે પસાર કર્યો છે. જેના કારણે સમગ્ર ફોગટ પરિવાર સાથે આમિરને એક અનોખો લગાવ છે.  આ લગ્ન એકદમ પારિવારિક અને સાદગીથી કરવામાં આવશે. આમિર છોકરીવાળા તરફથી છોકરાવાળાનું સ્વાગત કરશે. આમિરના પ્રવક્તા કહે છે આમિરને ફોગટ પરિવાર સાથે ઘણો લગાવ છે.