એક વર્ષથી ઘરે નથી ગયો આ ક્રિકેટર, બોંબ બ્લાસ્ટમાં ગુમાવ્યો ખાસ મિત્ર, ભારત સામે રમવા છે આતુર
19 વર્ષના રાશિદે કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટ વનડે અને ટી20 રમવાથી બહુ અલગ નથી. મને ચાર દિવસની મેચમાં જ્યારે મોકો મળ્યો ત્યારે મેં સારું પ્રદર્શન કર્યું છે. જો હું ટેસ્ટ મેચ માટે મારી સોચ બદલીને બોલિંગમાં ફેરફાર કરીશ તો મારા માટે આ યોગ્ય નહીં હોય. હું જેવી રીતે બોલિંગ કરું છું તેવી જ રીતે કરતો રહીશ.
ટેસ્ટ ક્રિકેટમાં મારે ધીરજ રાખવી પડશે. મને ખબર છે કે એવો પણ સમય આવશે કે 20 ઓવર સુધી એકપણ વિકેટ નહીં મળે અને એવુ પણ બની શકે કે મને બે ઓવરમાં બે વિકેટ પણ મળી જાય. આ ટેસ્ટ ક્રિકેટ છે.
તેણે વધુમાં કહ્યું કે, હું એક વર્ષથી ઘરે નથી ગયો. મને મારા પરિવાર અને મિત્રોની ગેરહાજરી અનુભવાય છે. ત્યાં ધડાકાના અહેવાલથી મને ઘણું દુઃખ થાય છે. આઈપીએલ દરમિયાન મારા હોમ ટાઉનમાં ધડાકા થયા. જેમાં મેં મારો મિત્ર ગુમાવી દીધો. હું ઘણો દુઃખી છું. હું મારા દેશના લોકો માટે મેદાનમાં યોગ્ય સોચ સાથે ઉતરવા માંગુ છું.
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર દ્વારા વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ ટી20 બોલર ગણાવામાં આવ્યા બાદ રાશિદે કહ્યું હતું કે, સચિનનું ટ્વિટ સપના સમાન હતું. હું કલાકો સુધી વિચારતો રહ્યો કે તેમને શું જવાબ આપું. હું ઘણો ખુશ હતો. વિરાટ અને ધોનીએ આઈપીએલ દરમિયાન મારી ઘણી પ્રશંસા કરી. તેનાથી તમારું મનોબળ વધે છે.
નવી દિલ્હીઃ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ધમાલ મચાવી રહેલા અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનને ભારત સામે તેના દેશવતી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ રમવા આતુર છે. જોકે તેના ઘરમાં હાલ બધું ઠીક નથી. એક વર્ષથી રાશિદ તેના ઘરે નથી ગયો. તાજેતરમાં થયેલા બોંબ બ્લાસ્ટમાં તેનો ખાસ મિત્ર માર્યો ગયો છે. આ બધી ઘટના વચ્ચે રાશિદ દેશ વતી પ્રથમ ટેસ્ટ રમવા તૈયાર છે. ભારત-અફઘાનિસ્તાન વચ્ચે 14 જૂનથી બેંગ્લોરમાં ટેસ્ટ રમાશે. જે અફઘાનિસ્તાનની સૌ પ્રથમ ટેસ્ટ મેચ હશે.