અફઘાનિસ્તાનના 20 વર્ષના બેટ્સમેને 1 ઓવરમાં 6 સિક્સર ઠોકીને યુવરાજ-ગેલના ક્યા રેકોર્ડની કરી બરાબરી ?
ઝઝાઇએ યુવરાજસિંહની યાદ તાજી કરાવી દીધી હતી. યુવરાજે 2007ના ટ્વેન્ટી20 વર્લ્ડકપમાં સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં 6 બોલમાં 6 સિક્સ ફટકારવા સાથે 12 બોલમાં 50 રન પણ પૂરા કર્યા હતા. ટ્વેન્ટી20 ક્રિકેટમાં યુવરાજસિંહ ઉપરાંત ક્રિસ ગેઇલે પણ અગાઉ 12 બોલમાં 50 રન પૂરા કર્યા છે. ગેઇલે 2016માં બીગ બેશ લીગમાં એડિલેડ સ્ટ્રાકર્સ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
કાબુલ ઝ્વનાન ટીમ માટે રમી રહેલા ઝઝાઇએ બલ્ખ લેજન્ડ્સના ડાબોડી સ્પિનર અબ્દુલ્લા મઝારીની એક જ ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી. મઝારીએ એક વાઇડ બોલ પણ નાખતા તેનો બોલિંગ સ્પેલ 1-૦-37-૦ જોવા મળ્યો હતો. હઝરતુલ્લાહ ઝઝઈએ હાલમાં જ અફઘાનિસ્તાન પ્રીમિયર લીગમાં 55 બોલમાં 124 રનની ઇનિંગ રમી હતી.
દુબઈઃ અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ (APL)માં અફઘાનિસ્તાનના ડાબોડી બેટ્સમેન હઝરતુલ્લા ઝઝાઈનું શાનદાર પ્રદર્શન જારી છે. તેણે રવિવારે રમેલ લીગના 14માં મેચમાં કાબુલ જવાનન તરફથી રમતા એક જ ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા. આ દરમિયાન તેણે 12 બોલમાં જ પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી લીધી. આ રીતે તેણે ટી-20માં ફસ્ટેસ્ટ ફિફ્ટીના રેકોર્ડની બરોબરી કરી છે.
મઝારીએ નાખેલી ઇનિંગ્સની ચોથી ઓવરમાં પ્રથમ બે બોલમાં ઝઝાઇએ સિક્સ ફટકારી હતી જ્યારે ત્રીજો બોલ વાઇડ નાખ્યો હતો. આ પછી તેણે સતત ચાર બોલમાં ચાર સિક્સ ફટકારી હતી. જોકે, ઝઝાઇએ 4 બાઉન્ડ્રી અને 7 સિક્સર સાથે 17 બોલમાં 62 રન ફટકારવા છતાં તેની ટીમનો પરાજય થયો હતો.