નવી દિલ્હીઃ ગત વર્ષે ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારી અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે તેની બીજી જ ટેસ્ટ મેચમાં ઐતિહાસિક જીત મેળવી હતી. અફઘાનિસ્તાને દેહરાદૂનના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયર્લેન્ડને  7 વિકેટથી હરાવીને ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ જીત મેળવી હતી.

બંને ટીમોની આ બીજી ટેસ્ટ મેચ હતી. અફઘાનિસ્તાને નવ મહિના પહેલા ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું,જ્યારે આયર્લેન્ડે પણ ગત વર્ષે મે મહિનામાં પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટ રમી હતી. જીત માટે 147 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ તરફથી રહમત શાહ અને અહસાનુલ્લાહ જન્નત વચ્ચે બીજી વિકેટ માટે 139 રનની ભાગીદારી કરી હતી.


આયર્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 172 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ ઇનિંગમાં 314 રન બનાવ્યા હતા. આયર્લેન્ડે બીજી ઈનિંગમાં 288 રન બનાવ્યા હતા. જેના કારણે અફઘાનિસ્તાનને જીતવા 147 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.


જીત બાદ અફઘાનિસ્તાનના કેપ્ટન અસગર અફઘાને કહ્યું કે, ખુશ છું. અમારી ટીમ અને દેશવાસીઓ માટે ઐતિહાસક ક્ષણ છે. મેચના હિસાબે અફઘાનિસ્તાને બીજી ટેસ્ટ મેચમાં જીત મેળવીને પાકિસ્તાન અને ઇંગ્લેન્ડના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ભારતે પ્રથમ ટેસ્ટ જીતવા 25 મેચની રાહ જોવી પડી હતી.