પ્રયાગરાજઃ કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લોકસભા ચૂંટણીને લઇને પ્રચારની શરૂઆત કરી હતી. પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજથી ગંગા યાત્રાની શરૂઆત કરી હતી. પ્રિયંકાની આ યાત્રા વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે. આ યાત્રા લગભગ 140 કિલોમીટરની છે. પોતાની આ યાત્રા મારફતે પ્રિયંકા ગાંધી મોદીને પડકાર આપી રહી છે.

લોકોને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આજે દેશનું બંધારણ સંકટમાં છે. આ કારણે મારે ઘરની બહાર નીકળવું પડ્યું છે. તેમણે કહ્યું કે, હું ઘણા વર્ષો સુધી ઘરમાં જ હતી પરંતુ આજે દેશ સંકટમાં છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, આ ચૂંટણીમાં રાહુલ ગાંધીને મજબૂત કરવા માટે મત આપો. આજે ખેડૂતોના પાકની યોગ્ય કિંમત નથી મળી રહી. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં બેરોજગારી વધી છે.



માયાવતીના ટ્વિટ પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમે કોઇ કન્ફ્યૂઝનમાં નથી. અમે ભાજપ વિરુદ્ધ લડી રહ્યા છીએ. વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, રાહુલ ગાંધીએ નવી રાજનીતિની શરૂઆત માટે ઉત્તરપ્રદેશ મોકલી છે. પ્રિયંકાએ કહ્યું કે, ચોકીદાર ખેડૂતો નહી પરંતુ અમીરોના હોય છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી સહિતના ભાજપના નેતાઓએ ટ્વિટર પર પોતાના નામ આગળ ચોકીદાર લખ્યું હતું.


પ્રિયંકાએ કહ્યું કે, કેન્દ્ર સરકારે પોતાના ઉદ્યોગપતિ મિત્રોને હજારો કરોડો રૂપિયા આપ્યા. નોંધનીય છે કે પ્રિયંકા ગાંધી 140 કિલોમીટરની યાત્રામાં અનેક સ્થળોએ રોકાશે અને સામાન્ય લોકો સાથે સંવાદ કરશે.