સિલેક્ટર્સે રોહિત શર્મા પર જે ભરોસો કર્યો હતો, તેમાં તે ખરો ઉતર્યો છે. જો કે, રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે ફક્ત એક જ ઇનિંગ રમી છે. અને હજુ પણ તેની પરીક્ષા બાકી છે. પણ આ ઇનિંગમાં તેણે જે વલણ દેખાડ્યું છે તેનાથી સ્પષ્ટ છે કે, ક્રિકેટના આ ફોર્મેટમાં પણ તે રન બનાવવા માટે બેતાબ છે અને ફક્ત ટી 20 અને વનડેનો બેટ્સમેન બની રહેવા માગતો નથી.
47 વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વાર એવું થયું છે કે, જ્યારે પોતાના દેશમાં એક ફ્રેશ ઓપનિંગ જોડીએ કોઈ પણ ટીમની સામે ટેસ્ટમાં ઇનિંગની શરૂઆત કરી હોય અને તે પણ ધમાકેદાર રહી હોય. મયંક અગ્રવાલે બેવડી સદી ફટકારી તો રોહિત બેવડી સદીથી ચૂકી ગયો. પણ હવે સચ્ચાઈ એ છે કે, રોહિત શર્મા અને મયંક અગ્રવાલે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની જોડીને ફિક્સ કરી દીધી છે.
આ જોડીને કારણે હવે ટીમ ઈન્ડિયાના એવા બેટ્સમેન કે જેઓ ઓપનર તરીકે ટીમમાં વાપસીનું સપનું જોઈ રહ્યા હતા. પણ હવે તેઓને લાંબી રાહ જોવી પડે તેમ છે. ટેસ્ટ ક્રિકેટમાં ઓપનરની વાપસી માટે શિખર ધવન, મુરલી વિજય, લોકેશ રાહુલ અને પૃથ્વી શો બેબાકળા છે. આ તમામ ખેલાડીઓ કોઈના કોઈ કારણે ટેસ્ટ ટીમથી બહાર છે અને તમામ વાપસી કરવા માગે છે. પણ આ સમય માટે તેમનો રસ્તો ટેસ્ટમાં વાપસીની માટે તો સરળ થઈ શકવાનો નથી. આ બેટ્સમેનોની ટેસ્ટમાં વાપસી ત્યારે જ થઈ શકે છે જ્યારે સતત ઘરેલુ સ્તરે કે મોકો મળે ત્યારે રન બનાવતાં રહે. આ ઉપરાંત તેઓને લાંબી રાહ પણ જોવી પડી શકે છે કે રોહિત અને મયંક અગ્રવાલનું ફોર્મ ખરાબ થાય.