બર્મિઘમઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વિસ્ફોટક ઓપનર એલેક્સ હેલ્સને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના બધા ફોર્મેટમાંથી બહાર કરી દીધો છે. એલેક્સ હેલ્સને વર્લ્ડકપની 15 સભ્યોવાળી ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો, તેમાંથી પણ તેને હટાવી દેવામાં આવ્યો છે. હેલ્સ પર નશીલા પદાર્થ અને પ્રતિબંધિત દવાઓનું સેવન કરવાનો અને લેવાનો આરોપ લાગ્યો છે.


આ પહેલા એલેક્સ હેલ્સ પર 21 દિવસનો ક્રિકેટ બેન લાગ્યો હતો, બાદમાં તેને ખુદ અનિશ્ચિતકાળ સુધી પોતાની જાતને ક્રિકેટથી દૂર કરી દીધી હતી. હવે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે હેલ્સને મોટો ઝટકો આપ્યો છે, તેને આગામી બધી સીરીઝમાંથી, એટલે કે આયરલેન્ડ સામેની વનડે સીરીઝમાંથી, પાકિસ્તાન સામેની ટી20 અને વનડે સીરીઝમાંથી પણ હટાવી દેવામાં આવ્યો છે. હેલ્સને વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે.



ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે એલેક્સ હેલ્સને ટીમમાંથી બહાર કર્યા બાદ સ્ટેટમેન્ટ આપ્યુ છે. બોર્ડના મેનેજિંગ ડાયરેક્ટર એસ્લે ગિલ્સે કહ્યું કે, “અમે આ નિર્ણય પર લાંબુ અને સ્ટ્રૉન્ગ વિચાર્યુ. અમે ઇંગ્લેન્ડ ટીમની આજુબાજુ યોગ્ય માહોલ બનાવવા માટે સખત મહેનત કરી છે. એ નિશ્ચિત કરવાની જરૂર છે કે ટીમનુ સર્વશ્રેષ્ઠ હિત શું છે, ટીમ કોઇપણ ગડબડીથી મુક્ત હોય અને મેદાનમાં યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ બને.”

મેનેજિંગ ડાયરેક્ટરે વધુમાં કહ્યું કે, “હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે આ ઇંગ્લેન્ડના ખેલાડીના રૂપમાં એલેક્સની કેરિયરનો અંત નથી. ઇસીબી અને પીસીએ એલેક્સની મદદ કરવાનુ ચાલુ રાખશે અને કાઉન્ટી ક્લબ નૉટિંઘમશાયરની સાથે મળીને તેને સમર્થન આપશે. તેની ક્ષમતાને ધ્યાનમાં રાખવામાં આવશે.”