નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવી ઇંગ્લેન્ડ પ્રથમ વખત વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે. આઈસીસી વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે આપેલા 242 રનના પડકાર સામે ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 242 રન બનાવતા મેચ ટાઇ પડી હતી. જેથી મેચનો નિર્ણય સુપર ઓવરમાં કરવામાં આવ્યો હતો. જોકે સુપર ઓવરમાં પણ મેચ ટાઇ (15-15 રન) રહેતા બાઉન્ડ્રીના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. મેચ દરમિયાન ઇંગ્લેન્ડે વધારે બાઉન્ડ્રી મારી હોવાથી તે વિજેતા બન્યું હતું. બેન સ્ટોક્સને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ઇંગ્લેન્ડે ઇનિંગ્સ દરમિયાન (26 બાઉન્ડ્રી) કિવિઝ કરતા 9 બાઉન્ડ્રી વધુ ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, પહેલી વખત સુપર ઓવરના આધારે કોઈ ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ફેન્સને ભારે આશ્ચર્ય થયું હતું કે એક જ મેચમાં 2 વખત ટાઈ કઈ રીતે પડી શકે? ખાસ કરીને જયારે તે મેચ વર્લ્ડ કપની ફાઇનલ હોય! જોકે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે 4 વર્ષ પહેલાં જ કહ્યું હતું કે વર્લ્ડ કપની ફાઇનલમાં સુપર ઓવર રમાશે.


સૌપ્રથમ જોફ્રા આર્ચરે 4 જુલાઈ, 2015ના રોજ ટ્વીટ કરી હતી કે, મને સુપર ઓવર થાય તો કોઈ વાંધો નથી.


આર્ચરે 13 એપ્રિલ, 2013ના રોજ તેણે વધુ એક ટ્વીટ કરી હતી કે 16 બોલમાં 6 રનની જરૂર હશે. આશ્ચર્યની વાત એ છે કે, કિવિઝને વર્લ્ડ ચેમ્પિયન બનવા સુપરઓવરમાં 16 રનની જ જરૂર હતી.


આર્ચરે 14 મે, 2015ના રોજ ટ્વીટ કરી હતી કે પહેલો બોલ વાઈડ હશે અને તેણે સુપરઓવરમાં નાખેલો પહેલો બોલ વાઈડ જ હતો. આર્ચરની ટ્વિટ્સને ક્રિકેટ વર્લ્ડકપના ઓફિશિયલ એકાઉન્ટથી લઈને ઇએસપીએન અને ફોક્સ સ્પોર્ટ્સ જેવા અનેક એકાઉન્ટ્સે રિટ્વીટ કરી હતી.


તેની ટ્વીટ્સનો જાદુ અહિયાં જ સમાપ્ત થતો નથી. તેણે વધુ એક ટ્વિટ પણ કરી હતી કે ન્યૂઝીલેન્ડ તમે આ મેચ કઈ રીતે હારી ગયા? સોશિયલ મીડિયા અને વિવિધ ઇંગ્લિશ સાઇટ્સ ઉપર તેણે અગાઉ કરેલી ટ્વિટ્સ વાયરલ થઇ છે.