એશિયા કપમાં ફરી એકવખત ભારત-પાકિસ્તાનની થશે ટક્કર, જાણો ક્યારે રમાશે મેચ
દુબઈઃ બુધવારે ગ્રુપ એની મેચમાં ભારતે એશિયા કપમાં પાકિસ્તાનને 8 વિકેટે ધૂળ ચટાવી હતી. ગ્રુપએમાં ભારત ટોચ પર છે, જ્યારે પાકિસ્તાન બીજા ક્રમે છે. ગ્રુપ બીમાં બાંગ્લાદેશ પ્રથમ અને અફઘાનિસ્તાન બીજા ક્રમે છે. હોંગકોંગ અને શ્રીલંકા બહાર ફેંકાઈ ગયા છે.
સુપર 4 રાઉન્ડના શિડ્યૂલ મુજબ શુક્રવાર, 21 સપ્ટેમ્બરે દુબઈમાં ભારત વિ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વિ અફઘાનિસ્તાનની મેચ રમાશે. રવિવાર, 23 સપ્ટેમ્બરના રોજ ફરી એક વખત એશિયાના બે કટ્ટર હરિફો ભારત-પાકિસ્તાન દુબઈમાં ટકરાશે. જ્યારે અબુધાબીમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો રોમાંચક મુકાબલો થશે.
મંગળવાર, 25 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં ભારતનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. જ્યારે 26 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચ યોજાશે.
સુપર 4 રાઉન્ડના અંતે જો ભારત અને પાકિસ્તાન નંબર 1 અને 2 પર રહેશો તો એશિયા કપમાં ત્રીજી વખત ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો ક્રિકેટ ચાહકોને જોવા મળશે.
બંને ગ્રુપોની ટીમો વચ્ચે 21 થી 26 સપ્ટેમ્બર સુધી સુપર 4 રાઉન્ડ રમાશે. જેમાં ટોચ પર રહેનારી બે ટીમો ફાઇનલમાં ટકરાશે. એશિયા કપની ફાઇનલ શુક્રવાર, 28 સપ્ટેમ્બરે રમાશે.