નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીના કારણે એશિયા કપ રદ્દ કરવામાં આવ્યો છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજનારો એશિયા કપ હવે જુલાઈ 2021 સુધી ટાળી દેવામાં આવ્યો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ વાતની સત્તાવાર જાહેરાત કરી છે.


આ વર્ષે યોજાનાર એશિયા કપની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસે હતો. જો કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુધવારે જ સ્પષ્ટ કરી દીધું હતું કે, આ વર્ષે એશિયા કપનું આયોજન નહીં થાય.

બીસીસીઆઈએ બુધવારે સંકેત આપી દીધાં હતા કે, આ વર્ષે એશિયા કપનું આયોજન નહીં થાય. જો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહ્યું હતું, તેમની પાસે એશિયા કપ રદ થવાને લઈ કોઈ જાણકારી નથી. પીસીબીએ કહ્યું હતું કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપને લઈને અત્યાર સુધી કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલે સ્પષ્ટતા કરી દીધી છે કે, એશિયા કપનું આયોજન નહીં થાય.



પાકિસ્તાનની યજમાનીને લઈને પણ હતો વિવાદ

એશિયા કપના આયોજનમાં મોટી સમસ્યા પાકિસ્તાન પાસે યજમાનીના અધિકારને લઈને પણ હતી. બીસીસીઆઈએ પીસીબીને સ્પષ્ટ જવાબ આપી દીધો હતો કે, ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. તેના બાદ પીસીબી એશિયા કપના આયોજન માટે કોઈ અન્ય દેશનો વિકલ્પ શોધી રહ્યું હતું.

જો કે, એશિયા કપના આયોજનની સંભાવના આઈપીએલના કારણે પણ ખતમ થઈ છે. બીસીસીઆઈ સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે આઈપીએલના આયોજનના વિકલ્પ શોધી રહી છે. એવામાં એશિયા કપ આઈપીએલના આયોજન અવરોધ બની શકતું હતું.