Asian Games 2023: એશિયન ગેમ્સ 2023નો સાતમો દિવસ પણ ભારત માટે સારો ચાલી રહ્યો છે. ભારતે સાતમા દિવસે પાંચ મેડલ જીત્યા હતા. બોક્સિંગમાં પણ ત્રણ મેડલ કન્ફર્મ કર્યા છે. સ્ટાર મહિલા બોક્સર લોવલિના સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે તેણે મેડલ કન્ફર્મ કર્યો  છે.


ભારતીય બોક્સર પ્રીતિ પવારે પણ શનિવારે મહિલાઓની 54 કિગ્રા સેમિફાઇનલમાં પ્રવેશ કરીને પેરિસ ઓલિમ્પિક માટેનો ક્વોટા સુરક્ષિત કરી લીધો હતો. પ્રીતિએ પણ પોતાને મેડલની ખાતરી આપી છે. લોવલિના બોર્ગોહેનની સાથે નરેન્દ્રએ પણ સેમિફાઇનલમાં જગ્યા બનાવીને મેડલ મેળવ્યો છે.


19 વર્ષની પ્રીતિએ ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા અને વર્તમાન એશિયન ચેમ્પિયન કઝાકિસ્તાનની ઝૈના શશેરબેકોવાને 4-1થી હરાવી હતી. ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા લોવલીનાને પહેલા રાઉન્ડમાં બાય મળી હતી. તેણે દક્ષિણ કોરિયાની સિયોંગ સુયોન મહિલાઓના 75 કિગ્રા વર્ગમાં  5-0થી હરાવી. 


નરેન્દ્ર (92 કિગ્રા) પણ એ જ અંતરથી ઈરાનના રમઝાનપોર ડેલાવરને હરાવીને છેલ્લા ચાર તબક્કામાં જગ્યા બનાવી છે. લોવલિના અને નરેન્દ્ર ઓલિમ્પિક ક્વોટા મેળવવાથી એક જીત દૂર છે.


સચિન સિવાચે કુવૈતના તુર્કીના અબુકુથાઈલાહ પાસેથી વોકઓવર મેળવ્યા બાદ 57 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા નિશાંત દેવની સફર 2021ના વર્લ્ડ ચેમ્પિયન સેવોન ઓકાઝાવા સામે 0-5થી હાર સાથે સમાપ્ત થઈ.


પ્રીતિએ આક્રમક શરૂઆત કરી હતી પરંતુ તેના અનુભવી પ્રતિસ્પર્ધીએ ઘણી વખત તેના બચાવમાં સેંધ મારી.  તેમ છતાં પ્રીતિ  પ્રથમ રાઉન્ડમાં 3.2  લીડ બનાવી હતી.  છેલ્લી ત્રણ મિનિટમાં બંને બોક્સરોએ એકબીજા પર જોરદાર મુક્કા માર્યા હતા. પ્રીતિએ પોતાની આક્રમકતા જાળવી રાખીને જીત મેળવી હતી.


આ પહેલા નિખત ઝરીન પણ ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરી ચૂકી છે. મહિલા વર્ગમાં, 50 કિગ્રા, 54 કિગ્રા, 57 કિગ્રા અને 60 કિગ્રામાં સેમિફાઇનલમાં પહોંચનાર બોક્સરો અને 66 કિગ્રા અને 75 કિગ્રામાં ફાઇનલમાં પહોંચનાર બોક્સરોને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોટા મળશે.  


હોકીમાં ભારતે પાકિસ્તાનને આપી હાર, એક તરફી મેચમાં 10-2થી હરાવ્યું


એશિયન ગેમ્સ 2023માં ભારતીય હોકી ટીમનું પાકિસ્તાન સામે પૂલ-એ મેચમાં ઐતિહાસિક પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારતે આ મેચ 10-2ના માર્જીનથી જીતીને પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બનાવી દીધું હતું. આ મેચમાં ભારતીય હોકી ટીમે પહેલા હાફથી જ પોતાની પકડ મજબૂત કરી અને 2-0થી ખતમ કરી. આ પછી બીજા હાફના અંતે સ્કોર લાઇન 4-0 સુધી પહોંચી ગયો. 


પાકિસ્તાન સામેની આ મેચમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે ભારત માટે સૌથી વધુ 4 ગોલ કર્યા હતા. વરુણ પણ 2 ગોલ કરવામાં સફળ રહ્યો હતો. આ સિવાય શમશેર, મનદીપ, લલિત અને સુમિતે એક-એક ગોલ કર્યા હતા.


ભારતે પહેલા બે હાફમાં 4-0ની લીડ મેળવી હતી


આ મહત્વની હોકી મેચમાં ભારતીય ટીમે પ્રથમ હાફની 8મી મિનિટે પોતાનો પ્રથમ ગોલ કર્યો હતો. આ પછી બીજો ગોલ પણ 11મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોકમાં થયો હતો. બીજા હાફની શરૂઆત સાથે જ ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરથી શાનદાર ગોલ કર્યો હતો. બીજા હાફના અંત પહેલા સુમિત, લલિત અને ગુરજંત ઉત્તમ સંકલન બતાવ્યું અને ચોથો ગોલ કર્યો. બીજા હાફના અંત બાદ ભારત આ મેચમાં 4-0થી આગળ હતું.