India Women vs Malaysia Women, Asian Games 2023: આજે એશિયન ગેમ્સ 2023 માં મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ભારત અને મલેશિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ ક્વાર્ટર ફાઈનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ સાથે ભારતીય મહિલા ટીમે હવે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં ભારતીય ઇનિંગ દરમિયાન પણ વરસાદમાં વિક્ષેપ પડ્યો હતો જેના કારણે મેચને 15-15 ઓવરની કરવામાં આવી હતી.






આ મેચમાં ભારતીય મહિલા ટીમે 15 ઓવરમાં 173 રન બનાવ્યા હતા. આ પછી મલેશિયાની ઇનિંગ્સમાં માત્ર 2 બોલ રમ્યા બાદ ભારે વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી હતી. વરસાદ ના અટકતા અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. હવે ટીમ ઈન્ડિયા 24 સપ્ટેમ્બરે સેમિફાઈનલ મેચ રમવા મેદાનમાં ઉતરશે. 






શેફાલી વર્મા અને જેમિમાહે શાનદાર બેટિંગ કરી


જો મલેશિયા સામે ભારતીય ટીમના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો આ મેચમાં કેપ્ટન સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની જોડીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 57 રનની ભાગીદારી થઇ હતી. મંધાના 16 બોલમાં 27 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફરી હતી.


3 નંબર પર બેટિંગ કરવા આવેલી સ્ટાર ખેલાડી જેમિમાહ રોડ્રિગ્ઝે એક છેડેથી ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું હતું. શેફાલી વર્મા પણ સતત આક્રમક બેટિંગ કરી રહી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 47 બોલમાં 86 રનની ભાગીદારી થઈ હતી. આ મેચમાં શેફાલી વર્મા 39 બોલમાં 67 રનની શાનદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફરી હતી.


અહીંથી જેમિમાને રિચા ઘોષનો સાથ મળ્યો અને બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 12 બોલમાં 30 રનની ભાગીદારી થઈ હતી. ટીમ ઈન્ડિયા 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 173 રન બનાવી શકી હતી. જેમિમાહે 29 બોલમાં અણનમ 47 રન બનાવ્યા હતા જ્યારે રિચાએ પણ 7 બોલમાં 21 રનની અણનમ ઇનિંગ રમી હતી.