Asian games 2023 day 6 : ભારતને છઠ્ઠા દિવસે પહેલો મેડલ મળ્યો છે. આ મેડલ શૂટિંગમાંથી આવ્યો છે. ઈશા, પલક અને દિવ્યાની ટીમે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે.
ભારતને શૂટિંગમાં વધુ એક મેડલ મળ્યો છે. ભારતે 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા ટીમની ખેલાડીઓ ઈશા સિંહ, પલક અને દિવ્યાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. ઈશા સિંહ, પલક અને દિવ્યાની ટીમ 1731-50xના સ્કોર સાથે બીજા ક્રમે રહી હતી. ચીનની રેન્કસિંગ, લી અને નાનની જોડીએ ગોલ્ડ કબજે કર્યો હતો.
અગાઉ એશિયન ગેમ્સમાં પાંચ દિવસે સરબજોત સિંહ, અર્જુન સિંહ ચીમા અને શિવા નરવાલની ભારતીય પુરૂષ ટીમે 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. રોશિબિના દેવીએ 5માં દિવસે સિલ્વરના રૂપમાં દેશ માટે પહેલો મેડલ જીત્યો હતો. રોશિબિનાને વુશુમાં 60 કિગ્રા વજન વર્ગમાં ચીન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે તેણે સિલ્વર જીત્યો હતો.
ભારતે પાંચમા દિવસ સુધી કુલ 25 મેડલ જીત્યા છે. આ મેડલમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 11 બ્રોન્ઝ સામેલ છે. સરબજોત દ્વારા ભારત માટે વધુ એક ગોલ્ડ જીતવાની તક હતી. 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં સરબજોતે સારી શરૂઆત બાદ ચોથું સ્થાન મેળવ્યું હતું. આ પછી ભારત માટે 5માં દિવસે ત્રીજો મેડલ ઘોડે સવારીમાં બ્રોન્ઝના રૂપમાં આવ્યો. અનુષ અગ્રવાલે આ મેડલ જીત્યો હતો.
ભારતીય મહિલા સ્ક્વોશ ટીમે મલેશિયાને 3-0થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ રીતે મહિલા સ્ક્વોશ ટીમે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્વિત કર્યો હતો. હવે સેમિફાઇનલ મેચ હોંગકોંગ સામે રમાશે. ટેબલ ટેનિસમાં શરથ કમલ અને સાથિયાની ભારતની પુરુષ જોડીએ 32મા રાઉન્ડની મેચમાં મંગોલિયાની જોડીને 3-0થી હરાવીને અંતિમ 16માં સ્થાન મેળવ્યું હતું. ભારતની સ્ટાર બેડમિન્ટન મહિલા ખેલાડી પીવી સિંધુએ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું.