Asian Games 2023 Day 6 Live: ભારતે છઠ્ઠા દિવસે શૂટિંગમાં જીત્યા બે ગોલ્ડ અને બે સિલ્વર, ટેનિસમાં પણ મળ્યો સિલ્વર

Asian Games 2023 Day 6 Live: એશિયન ગેમ્સની ત્રીજી મેચમાં ભારતીય હોકી ટીમે જાપાનને હરાવ્યું હતું.

gujarati.abplive.com Last Updated: 29 Sep 2023 12:42 PM
ભારતીય શૂટર ઐશ્વર્ય પ્રતાપ સિંહે વધુ એક મેડલ જીત્યો

ભારતીય શૂટર ઐશ્વર્ય પ્રતાપ સિંહે વધુ એક મેડલ પોતાના નામે કર્યો છે. તેણે શુક્રવારે ટીમ ઈવેન્ટ જીત્યા બાદ 50 મીટર રાઈફલ 3 પોઝિશન્સ મેન્સ ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઐશ્વર્યએ 459.7 સ્કોર મેળવ્યો છે. એશિયન ગેમ્સમાં ચીનના લિન્સુએ રેકોર્ડ બનાવ્યો અને ગોલ્ડ જીત્યો હતો. તેણે 460.6 સ્કોર હાંસલ કર્યો હતો. ભારતનો સ્વપ્નિલ સુરેશ લાંબા સમય સુધી પ્રથમ સ્થાને રહ્યો, પરંતુ તે છેલ્લી ક્ષણોમાં પાછળ રહી ગયો. તેને ચોથા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો. સ્વપ્નિલે 438.9 સ્કોર હાંસલ કર્યો હતો





સ્ક્વોશ મહિલા ટીમ ઈવેન્ટમાં ભારતે જીત્યો બ્રોન્ઝ

સ્ક્વોશ મહિલા ટીમ ઈવેન્ટમાં ભારતીય ટીમને સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હાર છતાં ભારત બ્રોન્ઝ મેડલ કબજે કરવામાં સફળ રહ્યું છે. એશિયન ગેમ્સનો છઠ્ઠો દિવસ ભારત માટે ખૂબ જ સારો ચાલી રહ્યો છે.





Asian Games Live:ક્વાર્ટર ફાઇનલમાં મનિકા બત્રા

ટેબલ ટેનિસમાં ભારતની સૌથી મોટી આશા મનિકા બત્રાએ મેડલ તરફ એક પગલું આગળ વધાર્યું છે. મનિકા બત્રાએ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.  મનિકાએ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ માત્ર 6 ગેમમાં જીતી હતી.





મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભારતે જીત્યા ગોલ્ડ અને સિલ્વર

એશિયન ગેમ્સમાં આજે ભારતને વધુ બે મેડલ મળ્યા હતા. પલકે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ઈશા સિંહે સિલ્વર મેડલ જીત્યો હતો. પાકિસ્તાનની કિશ્માલા તલતને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. પલકે 242.1 અને ઈશાએ 239.7નો સ્કોર કર્યો હતો. જ્યારે કિશ્માલાએ 218.2નો સ્કોર કર્યો હતો. સ્પર્ધામાં ઈશાનો આ ચોથો મેડલ છે.


 


 









Asian Games Live : રામકુમાર અને સાકેતને સિલ્વર મેડલથી માનવો પડ્યો સંતોષ

ટેનિસની મેન્સ ડબલ્સમાં ભારતને સિલ્વર મેડલ મળ્યો છે. સાકેત માઇનેની અને રામકુમાર રામનાથનની જોડી ફાઇનલમાં હારી ગઈ હતી. બંનેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. સાકેથ અને રામકુમારને ચીની તાઈપેઈના જેસન અને યુ-હસિઉએ સીધા સેટમાં પરાજય આપ્યો હતો.





ભારતે 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો

ભારતને શૂટિંગમાં વધુ એક મેડલ મળ્યો છે. ભારતે 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા ટીમની ખેલાડીઓ ઈશા સિંહ, પલક અને દિવ્યાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. ઈશા સિંહ, પલક અને દિવ્યાની ટીમ 1731-50xના સ્કોર સાથે બીજા ક્રમે રહી હતી. ચીનની રેન્કસિંગ, લી અને નાનની જોડીએ ગોલ્ડ કબજે કર્યો હતો.





શૂટિંગમાં ભારતીય પુરુષ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો

ઐશ્વર્ય પ્રતાપ સિંહ, સ્વપ્નિલ અને અખિલની ભારતીય જોડીએ શૂટિંગમાં કમાલ કર્યો હતો. ત્રણેય સાથે મળીને 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્રણેએ મળીને 1769નો સ્કોર કર્યો હતો. ચીનની લિશુ, હાઓ અને જિયા મિંગની જોડીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ સાથે જ કોરિયન ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.





બ્રેકગ્રાઉન્ડ

Asian Games 2023 Day 6 Live: એશિયન ગેમ્સ 2023માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ઈવેન્ટના પાંચમા દિવસે ભારતે શૂટિંગમાં વધુ એક ગોલ્ડ જીત્યો હતો. સરબજોત સિંહ, અર્જુન સિંહ ચીમા અને શિવા નરવાલની ભારતીય પુરૂષ ટીમે 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. રોશિબિના દેવીએ 5માં દિવસે સિલ્વરના રૂપમાં દેશ માટે પહેલો મેડલ જીત્યો હતો. રોશિબિનાને વુશુમાં 60 કિગ્રા વજન વર્ગમાં ચીન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે તેણે સિલ્વર જીત્યો હતો.


ભારતે પાંચમા દિવસ સુધી કુલ 25 મેડલ જીત્યા છે. આ મેડલમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 11 બ્રોન્ઝ સામેલ છે. સરબજોત દ્વારા ભારત માટે વધુ એક ગોલ્ડ જીતવાની તક હતી. 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં સરબજોતે સારી શરૂઆત બાદ ચોથું સ્થાન મેળવ્યું હતું. આ પછી ભારત માટે 5માં દિવસે ત્રીજો મેડલ ઘોડે સવારીમાં બ્રોન્ઝના રૂપમાં આવ્યો. અનુષ અગ્રવાલે આ મેડલ જીત્યો હતો.


હોકી ટીમે સતત ત્રીજી જીત નોંધાવી હતી


એશિયન ગેમ્સની ત્રીજી મેચમાં ભારતીય હોકી ટીમે જાપાનને હરાવ્યું હતું. ભારતે જાપાનને 4-2થી હરાવ્યું. આ પહેલા ભારતે સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું. પ્રથમ મેચમાં ભારતે ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું.


ટેનિસ ડબલ્સમાં ભારતના રોહન બોપન્ના અને રૂતુજાએ કઝાકિસ્તાનના ઝિબેક કુલમ, ઝિબેક કુલમબયેવા અને ગ્રીગોરી લોમાકિનને 7-5, 6-3થી હરાવીને સેમિફાઇનલમાં પહોંચ્યા હતા. સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની સાથે જ ભારતીય જોડીએ બ્રોન્ઝ મેડલ નિશ્વિત કર્યો હતો.                             


રામકુમાર રામનાથન અને સાકેથ માયનેનીની પુરૂષોની જોડીએ સેમીફાઈનલમાં દક્ષિણ કોરિયાની સિઓંગચાન હોંગ અને સૂનવુ ક્વોનની જોડીને હરાવી હતી. ભારતીય જોડીએ ફાઈનલમાં સ્થાન મેળવતાની સાથે સિલ્વર મેડલ નિશ્વિત કર્યો હતો.


ભારતીય મહિલા સ્ક્વોશ ટીમે મલેશિયાને 3-0થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ રીતે મહિલા સ્ક્વોશ ટીમે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્વિત કર્યો હતો. હવે સેમિફાઇનલ મેચ હોંગકોંગ સામે રમાશે. ટેબલ ટેનિસમાં શરથ કમલ અને સાથિયાની ભારતની પુરુષ જોડીએ 32મા રાઉન્ડની મેચમાં મંગોલિયાની જોડીને 3-0થી હરાવીને અંતિમ 16માં સ્થાન મેળવ્યું હતું. ભારતની સ્ટાર બેડમિન્ટન મહિલા ખેલાડી પીવી સિંધુએ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.