Asian Games 2023: એશિયન ગેમ્સનો આજે સાતમો દિવસ છે. ભારતને શૂટિંગમાં આજે દિવસનો પહેલો મેડલ મળ્યો છે. સરબજોત અને દિવ્યાની જોડીએ મિશ્ર વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતીય જોડીએ ફાઇનલમાં સારી શરૂઆત કરી હતી, પરંતુ અંતમાં ચીનના શૂટર્સને હરાવી શકી ન હતી. ચીને આ મેચ 16-14ના માર્જીનથી જીતી લીધી હતી.
ભારતે અત્યાર સુધીમાં શૂટિંગમાં 19 મેડલ જીત્યા
ભારતે અત્યાર સુધીમાં શૂટિંગમાં કુલ 19 મેડલ જીત્યા છે. જેમાં 9 ગોલ્ડ, 8 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ટીમ ઈન્ડિયાને સરબજોત અને દિવ્યા પાસેથી ગોલ્ડ મેડલની આશા હતી. પરંતુ તેઓ ફાઈનલ જીતી શક્યા ન હતા.
જ્યોતિ યારાજીએ ફાઇનલમાં જગ્યા બનાવી
ભારતીય એથ્લેટ જ્યોતિ યારાજી ફાઈનલમાં પહોંચી ગઈ છે. તેણે 100 મીટર હર્ડલ્સ રેસ 13.03 સેકન્ડમાં પૂરી કરી હતી. હવે તે રવિવારે સાંજે ગોલ્ડ મેડલના ટ્રેક પર ઉતરશે.
પ્રીતિએ બોક્સિંગમાં ભારત માટે મેડલ સુનિશ્ચિત કર્યો
ભારત માટે બોક્સિંગ તરફથી સારા સમાચાર છે. પ્રીતિ પંવારે મહિલાઓની 54 કિગ્રાની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતાને હરાવ્યો હતો. પ્રીતિએ ભારત માટે મેડલ સુનિશ્ચિત કર્યો છે.
લાંબી કૂદમાં પણ ભારત તરફથી મેડલની અપેક્ષા
લાંબી કૂદમાં પણ ભારત પાસેથી મેડલની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ભારતીય ખેલાડી મુરલી શ્રીશંકરે લાંબી કૂદની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મુરલીને ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે 7.90 મીટરની લાંબી કૂદની જરૂર હતી, પરંતુ તેણે 7.97 મીટરના લીગ જમ્પ સાથે ફાઇનલમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. તેણે પોતાના પહેલા જ પ્રયાસમાં આ આંકડો હાંસલ કર્યો હતો.
છઠ્ઠા દિવસે ભારત પાસે કેટલા મેડલ હતા
19મી એશિયન ગેમ્સમાં છઠ્ઠા દિવસના અંતે ભારતના કુલ મેડલની સંખ્યા હવે 33 પર પહોંચી ગઈ છે, જેમાં 8 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે અને ભારત મેડલ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે.