Asian Games 2023 Live: ભારતે આજે જીત્યો બીજો ગોલ્ડ મેડલ, મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ
Asian Games 2023 Live: એશિયન ગેમ્સ 2023 માં ભારતે પ્રથમ દિવસે પાંચ મેડલ જીત્યા હતા. હવે બીજા દિવસે પણ મેડલની આશા રહેશે
ભારતીય મહિલા ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 19 રને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતનો આ બીજો ગોલ્ડ છે.
ભારતીય બાસ્કેટબોલ ટીમે ગ્રુપ સ્ટેજની મેચમાં મલેશિયાને 20-16થી હરાવ્યું હતું. જુડોમાં ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. ગરિમા ચૌધરી પ્રી-ક્વોલિફાયરમાં હારી ગઈ હતી.
ભારતની મહિલા રગ્બી ટીમને સિંગાપોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં સિંગાપોરની ટીમ 0-15થી જીતી હતી. ભારતને અગાઉ જાપાન અને હોંગકોંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ 3 મેચમાં એક પણ પોઈન્ટ મેળવી શકી નથી.
ભારતને શૂટિંગમાં વધુ એક મેડલ મળ્યો છે. વિજયવીર સિદ્ધુ, અનીશ અને આદર્શ સિંહની ભારતીય ટીમે 1718 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ભારતના ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે ભારત માટે વધુ એક મેડલ જીત્યો હતો. તેણે 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તોમરે 228.8 પોઈન્ટ મેળવ્યા. ચીનના શેંગ લિહાઓએ વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 253.3 પોઈન્ટ મેળવ્યા હતા. દક્ષિણ કોરિયાના હાજુન પાર્કે સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતની અંકિતા રૈનાએ ટેનિસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણીએ વિમેન્સ સિંગલ્સના રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું હતું. અંકિતાએ ઉઝબેકિસ્તાનની સબરીના ઓલિમજોનોવાને 6-0, 6-0થી હરાવી હતી. મેન્સ સિંગલ્સમાં ભારતના રામકુમાર રામનાથનને વોકઓવર મળ્યો હતો. તેને બીજા રાઉન્ડમાં તાજિકિસ્તાનના સુનાતુલો ઈસરોઈલોવ સામે વોકઓવર મળ્યું હતું. આ સાથે રામકુમારે રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી લીધી છે.
રોઇંગમાં ભારતને વધુ એક મેડલ જીતવામાં સફળતા મળી છે. મેન્સ ક્વાડ્રપલ સ્કલ્સ ફાઇનલમાં પરમિંદર સિંહ, સતનામ સિંહસ જકાર ખાન અને સુખમીત સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચીન આ ઇવેન્ટમાં ગોલ્ડ અને ઉઝબેકિસ્તાને સિલ્વર મેડલ જીત્યો હતો.
ટીમ ઈન્ડિયાને ગોલ્ડ બાદ વધુ એક મેડલ મળ્યો છે. રોઇંગમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જસવિન્દર, આશિષ, પુનીત અને આશિષે રોઈંગની મેન્સ ફોર સ્પર્ધામાં મેડલ જીત્યો હતો.
એશિયન ગેમ્સ 2023ના બીજા દિવસે ભારતની શરૂઆત સારી રહી હતી. શૂટિંગમાં દેશને ગોલ્ડ મેડલ મળ્યો હતો. 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રંકેશ અને દિવ્યાંશે દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
બ્રેકગ્રાઉન્ડ
Asian Games 2023 Live: એશિયન ગેમ્સ 2023 શરૂ થઈ ગઈ છે. જેમાં ભારતે પ્રથમ દિવસે પાંચ મેડલ જીત્યા હતા. હવે બીજા દિવસે પણ મેડલની આશા રહેશે. મહિલા ક્રિકેટની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો મુકાબલો શ્રીલંકા સામે થશે. આ સાથે ભારતીય ખેલાડીઓ અન્ય રમતોમાં પણ ભાગ લેશે. રોઈંગ, ચેસ, બોક્સિંગ, જિમ્નાસ્ટિક્સ અને જૂડોમાં ભારતીય ખેલાડીઓ જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. ક્વાર્ટર ફાઇનલમાં મહિલા ટીમનો સામનો મલેશિયા સામે થયો હતો. જો કે વરસાદના કારણે આ મેચ પૂર્ણ થઈ શકી ન હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચી હતી. તેણે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. હવે સોમવારે સવારે 11.30 વાગ્યાથી ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે.
એશિયન ગેમ્સના બીજા દિવસે જિમ્નાસ્ટિક્સમાં મહિલા ક્વોલિફિકેશન સબ-ડિવિઝન 1 સવારે 7.30 વાગ્યે શરૂ થશે. બોક્સિંગમાં ભારતીય બોક્સરો રિંગમાં ઉતરશે. આમાં અરુંધતી ચૌધરી ચીનના લિયુ યાંગ સાથે ટકરાશે. આ રાઉન્ડ ઓફ 16 મેચ હશે. મેન્સમાં દીપક ભોરિયાનો સામનો મલેશિયાના અબ્દુલ કયૂમ બિન અરિફિન સાથે થશે. અન્ય મેચમાં નિશાંત દેવ અને દીપેશ લામા વચ્ચે મુકાબલો થશે.
ભારતની ગરિમા ચૌધરી જુડોની મેડલ ઈવેન્ટમાં મહિલાઓના 70 કિગ્રા જૂથ માટે રમશે. સ્વિમિંગમાં પણ ઘણા સ્વિમર્સ પાસેથી અપેક્ષાઓ હશે. પુરુષોની 50 મીટર બેકસ્ટ્રોક હીટ અને ફાઇનલમાં શ્રીહરિ નટરાજનું પ્રદર્શન જોવા મળશે. મહિલાઓની 50 મીટર બેકસ્ટ્રોક હીટ અને ફાઈનલમાં માના પટેલનું પ્રદર્શન જોવા મળશે. તેમની સાથે લિકિથ સેલ્વરાજ, હશિકા રામચંદ્ર અને ધિનિધિ દેસિંધુ પણ સ્વિમિંગમાં પોતાનું નસીબ અજમાવશે.
નોંધનીય છે કે પ્રથમ દિવસની મેડલ યાદીમાં ભારત 7મા સ્થાને હતું. ભારતે 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ રીતે ભારતને પ્રથમ દિવસે કુલ 5 મેડલ મળ્યા છે. આમાં ચીન પ્રથમ ક્રમે રહ્યું હતું. ચીનને પ્રથમ દિવસે કુલ 30 મેડલ મળ્યા છે. ચીનના ખેલાડીઓએ 20 ગોલ્ડ, 7 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. કોરિયા બીજા ક્રમે અને જાપાન ત્રીજા ક્રમે રહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -