Asian Games 2023:  એશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે ભારતીય પુરુષ હોકી ટીમે જીત સાથે શરૂઆત કરી હતી.  ભારતે હોકીમાં સિંગાપોરને ખરાબ રીતે હરાવ્યું હતું.  ટીમ ઈન્ડિયાએ 16-1થી સિંગાપોરને હરાવીને રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારત તરફથી હરમનપ્રીત સિંહે 4 ગોલ કર્યા હતા.






ભારતે મેચમાં શરૂઆતથી જ લીડ જાળવી રાખી હતી. ભારતે પ્રથમ ક્વાર્ટરમાં 1 ગોલથી શરૂઆત કરી હતી. આ પછી પણ ટીમે સતત ગોલ કર્યા હતા. ભારતે એક પછી એક ગોલ ફટકારીને શાનદાર જીત મેળવી હતી. કેપ્ટન હરમનપ્રીત સિંહે 4 ગોલ કર્યા હતા. મનદીપ સિંહે ગોલની હેટ્રિક નોંધાવી હતી.


આ પહેલા ભારતીય હૉકી ટીમે ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચમાં ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું. આજે હરમનપ્રીત સિંહની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાએ સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું. મેચમાં ભારત માટે પહેલો ગોલ મનદીપ સિંહે 13મી મિનિટે કર્યો હતો. પ્રથમ ક્વાર્ટરના અંત સુધીમાં ભારતે 1-0ની સરસાઈ હાંસલ કરી લીધી હતી. ત્યારબાદ બીજા ક્વાર્ટરની શરૂઆતમાં 16મી મિનિટે લલિત કુમારે ભારત માટે બીજો ગોલ કર્યો હતો.


આ પછી 22મી મિનિટે ગુજરંતે ટીમ માટે ત્રીજો ગોલ કર્યો હતો અને ત્યારબાદ 23મી મિનિટે વિવેક સાગર પ્રસાદે ટીમ માટે ચોથો ગોલ કર્યો હતો. ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત સિંહે ગોલ નોંધાવ્યો હતો. મનદીપ સિંહે 29મી મિનિટે પોતાનો બીજો અને ટીમનો છઠ્ઠો ગોલ કર્યો હતો. આ રીતે ભારતે પ્રથમ હાફમાં 6-0ની લીડ મેળવી લીધી હતી.


બીજા હાફમાં પણ ભારતે ધમાલ મચાવી


બીજા હાફની શરૂઆતના થોડા સમય બાદ એટલે કે 37મી મિનિટે મનદીપ સિંહે ટીમ માટે 7મો અને શમશેર સિંહે 38મી મિનિટે 8મો ગોલ કર્યો હતો. ત્યારબાદ 40મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર દ્વારા બે ગોલ કર્યા હતા. આ રીતે બીજા હાફની શરૂઆતના થોડા સમય બાદ ભારતે 10-0ની સરસાઈ હાંસલ કરી લીધી હતી. 42મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે વધુ એક પેનલ્ટી કોર્નર લઈને ટીમ માટે 11મો ગોલ કર્યો હતો. આ રીતે, ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં ભારતે 11-0ની લીડ હાંસલ કરી હતી.


ત્યાર બાદ મનદીપ સિંહે 51મી મિનિટે બે ગોલ કર્યા અને અભિષેકે પણ 51મી અને 52મી મિનિટે બે ગોલ કર્યા. આ પછી 53મી મિનિટે સિંગાપોરના ઝકી ઝુલકરનૈને ટીમ માટે પહેલો ગોલ કર્યો હતો. માત્ર 2 મિનિટ બાદ ભારતના વરુણ કુમારે 55મી મિનિટે સતત બે ગોલ કરીને ભારતને 16-1થી આગળ કરી દીધું હતું. આ રીતે ભારતે સિંગાપોર સામે શાનદાર જીત નોંધાવી હતી.