Asian Games 2023, India vs China Football Highlights:  એશિયન ગેમ્સ 2023માં ચીને ભારતીય ફૂટબોલ ટીમને 5-1થી કારમી હાર આપી હતી. સુનીલ છેત્રીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ચીન સામે માત્ર એક જ ગોલ કરી શકી હતી. બંને વચ્ચેની આ મેચ હાંગઝોઉના હુઆંગલોંગ સ્પોર્ટ્સ સેન્ટર સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે હવે આગામી રાઉન્ડમાં પહોંચવા માટે બાંગ્લાદેશ અને મ્યાનમાર સામે જીત મેળવવી પડશે.


બીજા હાફમાં ભારતનો કંગાળ દેખાવ


મેચનો પ્રથમ ગોલ ચીને કર્યો હતો. તેના માટે જાઓ તિયાનીએ 16મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. રાહુલ કેપીએ ઈન્જરી ટાઈમ (45+1મી મિનિટ)માં ભારત માટે પહેલો ગોલ કરીને મેચને બરાબરી પર પહોંચાડી હતી, પરંતુ બીજા હાફમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ચીને બીજા હાફમાં ચાર ગોલ કરીને મેચ જીતી લીધી હતી. બેઇજુન દાઇએ 51મી મિનિટે ગોલ કર્યો હતો. કિયાનલોંગ તાઓએ 71મી અને 74મી મિનિટમાં ગોલ કર્યા હતા. મેચના અંત પહેલા, ચીને ઇન્જરી ટાઇમ (90+2મી મિનિટ)માં પાંચમો ગોલ કર્યો. તેના માટે હાઓ ફેંગે ગોલ કર્યો હતો.






ચીને આક્રમક શરૂઆત કરી હતી


ચીનની ટીમે મેચની શરૂઆત આક્રમક રીતે કરી હતી. પ્રથમ છ મિનિટમાં તેણે બે ઝડપી હુમલા કર્યા. ભારતીય ડિફેન્ડરે બંને પ્રસંગોએ કોઈક રીતે બોલને ગોલપોસ્ટમાં પ્રવેશવા દીધો ન હતો. ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ 14મી મિનિટે બોક્સની બહારથી ગોલ કરવાનો શાનદાર પ્રયાસ કર્યો હતો. તેનો સીધો શોટ ગોલ પોસ્ટ ઉપર ગયો હતો. ચીને 16મી મિનિટે 0-0ની મડાગાંઠ તોડી હતી.. તિયાનીએ શાનદાર ગોલ કર્યો. ભારતીય ટીમનો ગોલકીપર ગુરમીત કંઈ પણ કરી શકતો હતો ત્યાં સુધીમાં બોલ ગોલપોસ્ટમાં જઈ ચૂક્યો હતો.


ગુરમીતે પેનલ્ટી બચાવી હતી


મેચની 23મી મિનિટે ભારતના ગોલકીપર ગુરમીતે મોટી ભૂલ કરી હતી. તેણે ચીનના ખેલાડી ટેન લોંગને બોક્સમાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. રેફરીએ તેના પ્રયાસને ફાઉલ જાહેર કર્યો અને ચીનને પેનલ્ટી આપી. ગુરપ્રીતને યલો કાર્ડ બતાવવામાં આવ્યું હતું. જોકે, આ પછી તેણે પોતાની ભૂલ સુધારી અને શાનદાર વાપસી કરી. ગુરમીતે ચીનના કેપ્ટન ચેનજી ઝુને પેનલ્ટી પર ગોલ કરવા દીધો ન હતો. તેણે પેનલ્ટી બચાવીને ભારતને મેચમાં 0-2થી પાછળ રહેતાં બચાવી લીધું હતું.