Asian Games: એશિયન ગેમ્સમાં ચોથા દિવસે ભારતીય ખેલાડીઓ શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. સિફ્ટ કૌર સમરા અને આસી ચોક્સીએ એક જ સ્પર્ધામાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સિફ્ટ કૌર સમરાએ 50 મીટર 3 પોઝિશન રાઈફલમાં 10.2 પોઈન્ટ મેળવીને સરળતાથી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ આશીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
સિફ્ટ કૌરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આશી સિલ્વર મેડલ ચૂકી
50 મીટર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી સિફ્ટ કૌરે 469.6ના સ્કોર સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ સાથે તેણે 462.3 સ્કોર કરનાર ચીનની ઝાંગ ક્વિઓંગ્યુને પછાડી હતી. આ રીતે સિફ્ટે મોટા માર્જિન સાથે ગોલ્ડ જીત્યો. જ્યારે આશી ચોક્સીએ 451.9ના સ્કોર સાથે બ્રોન્ઝ જીત્યો હતો. આશીના ખરાબ શૉટના કારણે તેણીને બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો.
ભારતે પાંચમો ગોલ્ડ જીત્યો
ભારત માટે ગોલ્ડ મેડલની સંખ્યા વધી રહી છે. સિફ્ટ કૌરે ચોથા દિવસે ભારત માટે એકંદરે પાંચમો અને ચોથા દિવસનો બીજો ગોલ્ડ જીત્યો હતો. અગાઉ, મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાનની મહિલા ટીમે 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો, જે દેશનો ચોથો ગોલ્ડ હતો.
પહેલો ગોલ્ડ શૂટિંગમાં જ આવ્યો
એશિયન ગેમ્સમાં ભારતનો પહેલો ગોલ્ડ શૂટિંગમાં આવ્યો હતો. ભારતે બીજા દિવસે પહેલો ગોલ્ડ જીત્યો હતો. આ પછી, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દેશ માટે બીજો ગોલ્ડ જીત્યો હતો. ત્યારબાદ ત્રીજો ગોલ્ડ ઘોડેસવારીની ટીમે જીત્યો હતો. આજે ભારતે શૂટિંગમાં જ બંને ગોલ્ડ મેડલ જીત્યા છે. પહેલા મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાનની ટીમે અને પછી સિફ્ટ કૌરે બીજો ગોલ્ડ જીત્યો હતો.