Asian Para Games: એશિયન પેરા ગેમ્સમાં આજે ભારતની શાનદાર શરૂઆત થઇ હતી. સચિન ખિલારીએ પુરુષોની ગોળા ફેંક એફ 46 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે અત્યાર સુધીમાં એશિયન પેરા ગેમ્સમાં કુલ 68 મેડલ જીત્યા છે જેમાં 16 ગોલ્ડ, 20 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
તે સિવાય મેન્સ 100 મીટર ટી-35 ઇવેન્ટમાં ભારતના પેરા એથ્લેટ નારાયણ ઠાકુરે 14.37 સેકન્ડ સમય સાથે ત્રીજુ સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે એશિયન પેરા ગેમ્સમાં પોતાનો બીજો મેડલ હાંસલ કર્યો હતો.
ઉપરાંત એશિયન પેરા ગેમ્સમાં ચોથા દિવસે શ્રેયાંશ ત્રિવેદીએ મેન્સ 100 મીટર ટી-37 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શ્રેયાંશે પણ એશિયન પેરા ગેમ્સમાં પોતાનો બીજો મેડલ જીત્યો હતો.
ગઇકાલે ભારતના પેરા એથ્લેટ સુમિત એન્ટિલે ઈતિહાસ રચ્યો હતો. તેણે હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિતે 73.29 મીટરના અસાધારણ થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવીનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો સાથે જ પુષ્પેન્દ્ર સિંહે 62.06 મીટરના જોરદાર થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પ્રાચી યાદવ મંગળવારે અહીં એશિયન પેરા ગેમ્સમાં પેરા કેનોઇંગ (સેઇલ સેલિંગ)માં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. તેણે સતત બીજા દિવસે દેશ માટે મેડલ જીત્યો હતો.