ICC Cricket World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની તેની પાંચમી મેચમાં નેધરલેન્ડ્સને 309 રનથી હરાવીને પોઈન્ટ ટેબલ પર છલાંગ લગાવી હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની શાનદાર જીત સાથે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમની સાથે તેના ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે પણ આ મેચમાં એક રેકોર્ડ તોડ્યો છે. મિશેલ સ્ટાર્કે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સ્વિંગ બોલર વસીમ અકરમને પાછળ છોડી દીધો છે. 


સ્ટાર્કે નેધરલેન્ડ સામે માત્ર એક જ વિકેટ લીધી હતી, પરંતુ તે એક વિકેટને કારણે તે શ્રીલંકાના ભૂતપૂર્વ બોલર લસિથ મલિંગાની બરાબરી પર આવી ગયો હતો. લસિથ મલિંગા વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો બોલર છે. તેથી સ્ટાર્ક પણ હવે લસિથ મલિંગા સાથે જોડાઈ ગયો છે જે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજો બોલર છે.






વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર


આ યાદીમાં પહેલું નામ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાથનું છે. તેણે વન-ડે વર્લ્ડ કપમાં 39 મેચ રમી અને વધુમાં વધુ 71 વિકેટ પણ લીધી હતી.  તેના પછી આ યાદીમાં શ્રીલંકાના પૂર્વ સ્પિન બોલર મુથૈયા મુરલીધરનનું નામ સામેલ છે. મુથૈયા મુરલીધરને વર્લ્ડ કપમાં કુલ 40 મેચ રમી હતી, જેમાં તેણે કુલ 68 વિકેટ ઝડપી હતી. મુથૈયા મુરલીધરન સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર પણ છે.


આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર મિશેલ સ્ટાર્કનું નામ ત્રીજા નંબર પર આવી ગયું છે. સ્ટાર્કે વર્લ્ડ કપમાં અત્યાર સુધી કુલ 23 મેચ રમી છે અને કુલ 56 વિકેટ લીધી છે. તેની સાથે ત્રીજા નંબર પર શ્રીલંકાના પૂર્વ બોલર લસિથ મલિંગાનું નામ પણ સામેલ છે જેણે વર્લ્ડ કપની 29 મેચમાં 56 વિકેટ ઝડપી હતી. લસિથ મલિંગા બાદ પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી વસીમ અકરમનું નામ આ યાદીમાં સામેલ છે. વસીમ અકરમે વન-ડે વર્લ્ડ કપમાં કુલ 38 મેચ રમી હતી, જેમાં તેણે કુલ 55 વિકેટ ઝડપી હતી.